સુપ્રીમ કોર્ટે(Supreme Court)દિલ્હી-નોઈડાને જોડતા (DND)ફ્લાયવે પર વસૂલાતા ટોલ ટેકસને મુદ્દે લોકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. જેમાં દિલ્હી-નોઈડાને જોડતા ફ્લાયવે પર ટોલ વસૂલવાના નહિ અવે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. વર્ષ 2016માં અલ્હાબાદ હાઈકોર્ટે દિલ્હી-નોઈડા ફ્લાય વેને ટોલ ફ્રી જાહેર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલે અંતિમ નિર્ણય સંભળાવ્યો
જ્યારે 26 ઓક્ટોબર 2016ના રોજ આપવામાં આવેલા તેના નિર્ણયમાં અલ્હાબાદ હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે ડીએનડીનું સંચાલન કરતી નોઈડા ટોલ બ્રિજ કંપનીએ કરાર મુજબ પૈસા કમાયા છે. જેને જોતા હાઇકોર્ટે તાત્કાલિક ટોલ વસુલાત પર પ્રતિબંધ મુકી દીધો હતો. ટોલ કંપનીએ તેની સામે તરત જ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ તત્કાલીન ચીફ જસ્ટિસ ટી એસ ઠાકુરની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો. હવે જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલે અંતિમ નિર્ણય સંભળાવ્યો છે.
સામાન્ય લોકો પાસેથી કરોડ રૂપિયા વસૂલવામા આવ્યા
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફેડરેશન ઓફ નોઈડા રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન, જેણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે નોઈડા ઓથોરિટીની ટીકા કરતા કહ્યું કે તેણે ટોલ બ્રિજ કંપની સાથે આવો કરાર કર્યો હતો. જેણે કંપનીને અનિશ્ચિત સમય માટે ટોલ વસૂલવાનો અધિકાર આપ્યો હતો. લાંબા સમય સુધી ટોલ વસૂલાતના કારણે સામાન્ય લોકો પાસેથી છેતરપિંડીથી કેટલાય કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
બંને પક્ષોએ યોગ્ય કાનૂની ફોરમમાં વિવાદનું સમાધાન કરવું જોઈએ
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે દિલ્હી નોઇડા ડાયરેક્ટ રોડ 2001માં કાર્યરત થયા બાદ ટોલ કંપનીએ 2016 સુધીમાં જંગી નફો કમાયો હતો. હવે તેને ફરીથી સામાન્ય લોકો પાસેથી ટોલ વસૂલવાનો અધિકાર મળી શકશે નહીં. પરંતુ કોન્ટ્રાક્ટ મુજબ કંપની હાલ પુરતો રોડની જાળવણી કરવાનું ચાલુ રાખશે. નોઇડા ઓથોરિટી અને ટોલ બ્રિજ કંપની વચ્ચે બ્રિજ પર જાહેરાતો મૂકવાના વિવાદ પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી નથી. કોર્ટે કહ્યું છે કે બંને પક્ષોએ યોગ્ય કાનૂની ફોરમમાં વિવાદનું સમાધાન કરવું જોઈએ.
આ માત્ર 10 કિલોમીટરનો રસ્તો
જોકે, વર્ષ 2016માં થયેલી સુનાવણી દરમિયાન પણ સુપ્રિમ કોર્ટે દિલ્હી નોઇડા ટોલ બ્રિજ કંપનીની ઝાટકણી કાઢી હતી. કંપની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી વારંવાર દિલ્હી નોઇડાને દેશનો શ્રેષ્ઠ હાઇવે ગણાવતા હતા. તેના પર તત્કાલિન ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે કહ્યું હતું કે, આ માત્ર 10 કિલોમીટરનો રસ્તો છે. તમે એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે તમે ચંદ્ર સુધીનો રસ્તો બનાવ્યો હોય. તેમજ કોર્ટે સિંઘવીની એ માંગને પણ ફગાવી દીધી હતી કે જેમાં જયા સુધી હિસાબોનું ઓડિટ ન થાય ત્યાં સુધી તેમને ટોલ વસૂલવાની છૂટ આપવામાં આવે.