આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને લઈને અમેરિકામાં ભારતીય સમુદાયમાં ઘણો ક્રેઝ છે. પીટીઆઈ અનુસાર, ભારતીય-અમેરિકનો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યા છે અને આ માટે 18 જૂને અમેરિકાના 20 મોટા શહેરોમાં ‘ભારત એકતા દિવસ’ માર્ચનું આયોજન કરવામાં આવશે. પીટીઆઈ અનુસાર, ભારતીય અમેરિકન સમુદાયના નેતા અને ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’-યુએસએના રાષ્ટ્રીય અધ્યક્ષ અદાપા પ્રસાદે કહ્યું, “ભારતીય અમેરિકન સમુદાય પીએમ મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સમુદાય 18 જૂને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ મેમોરિયલ ખાતે એકત્ર થઈ રહ્યો છે.
વોશિંગ્ટન સ્મારકથી લિંકન મેમોરિયલ સુધી ‘ભારત એકતા દિવસ’ માર્ચ કાઢવામાં આવશે અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે.” આ સાથે જ પૂર્વથી પશ્ચિમ સુધી અમેરિકામાં લગભગ 20 સ્થળોએ આ આયોજન કરાયું છે.
પીટીઆઈના જણાવ્યા અનુસાર, અન્ય શહેરોમાં જ્યાં માર્ચ યોજાશે તેમાં બોસ્ટન, શિકાગો, એટલાન્ટા, મિયામી, ટેમ્પા, ડલ્લાસ, હ્યુસ્ટન, લોસ એન્જલસ, સેક્રામેન્ટો, સાન ફ્રાન્સિસ્કો, કોલંબસ અને સેન્ટ લુઈસનો સમાવેશ થાય છે.
પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર જૂનમાં અમેરિકાની તેમની પ્રથમ રાજકીય મુલાકાત પર જશે. યુએસ પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી 22 જૂને મોદીને રાજકીય ડિનર માટે પણ મેજબાની કરશે.
ઉલ્લેખનીય છે કે 2014માં સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદી અનેક વખત અમેરિકા જઈ ચૂક્યા છે. તેમણે અમેરિકાના ત્રણ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન સાથે પણ મુલાકાત કરી છે. જોકે, આ વખતે તેમને પ્રથમ વખત સત્તાવાર રાજકીય મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે અમેરિકા આ સન્માન તેના નજીકના મિત્ર દેશોને જ આપે છે.