ઓગસ્ટ 2025ની શરૂઆત સાથે દેશમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે સામાન્ય લોકોના દૈનિક જીવન અને ઘરેલુ બજેટ પર સીધી અસર કરશે. આ ફેરફારો ખાસ કરીને ક્રેડિટ કાર્ડ ધારકો, LPG વપરાશકર્તાઓ, UPI પેમેન્ટ ઉપભોક્તાઓ અને હવાઈ મુસાફરી કરનારા યાત્રિકો માટે મહત્વના છે.
સૌપ્રથમ, SBI Card હોલ્ડર્સ માટે એક મોટો ફેરફાર છે. 11 ઓગસ્ટ 2025થી, SBI Bank તેમના ઘણા કો-બ્રાન્ડેડ ELITE અને PRIME ક્રેડિટ કાર્ડ પર મળતી ફ્રી એર એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરેજને બંધ કરી રહી છે. અત્યાર સુધીમાં SBIએ યૂકોએ બેંક, સેન્ટ્રલ બેંક, કરુર વૈશ્ય બેંક અને અલ્હાબાદ બેંક જેવા સંસ્થાઓ સાથે મળીને ઘણા કાર્ડ પર 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું કવર આપતું હતું, જે હવે ઉપલબ્ધ નહીં રહે. આ બદલાવ કાર્ડ ધારકોના ફાયદામાં ઘટાડો લાવશે.
બીજી તરફ, સામાન્ય જનતાને થોડી રાહત આપતી જાહેરાત એ છે કે 1 ઓગસ્ટથી LPGના ભાવમાં ઘટાડો થયો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો થયો છે. આ ઘટાડો ખાસ કરીને હોટલ, રેસ્ટોરાં અને નાના વેપારીઓ માટે લાભદાયી રહેશે, કારણ કે તેમના દૈનિક ઓપરેશન ખર્ચમાં થોડી રાહત મળશે.
UPI પેમેન્ટ સેવાઓમાં પણ કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા 1 ઓગસ્ટથી લાગુ કરાયેલા નવા નિયમો મુજબ હવે યુપીઆઈ ઉપયોગકર્તાઓ એક દિવસમાં મહત્તમ 50 વખત જ બેલેન્સ ચેક કરી શકે છે. મોબાઇલ નંબર લિંક બેંક એકાઉન્ટની માહિતી હવે દિવસમાં માત્ર 25 વખત તપાસી શકાશે. AutoPay ટ્રાન્ઝેક્શન્સ (જેમ કે OTT પ્લેટફોર્મ સબ્સ્ક્રિપ્શન અથવા મ્યુચ્યુઅલ ફંડ હપ્તા) હવે માત્ર ત્રણ સમયગાળાઓમાં પ્રક્રિયા થશે — સવારે 10 વાગ્યા સુધી, બપોરે 1 થી 5 વાગ્યા વચ્ચે અને રાત્રે 9:30 વાગ્યા પછી. ઉપરાંત, ફેલ થયેલ ટ્રાન્ઝેક્શન્સનું સ્ટેટસ તમે હવે માત્ર ત્રણ વખત જ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે 90 સેકન્ડનું ગેપ રહેશે.
બેન્ક હોલિડેની બાબતને લઇને, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દર મહિને તહેવારો અને ખાસ પ્રસંગોને ધ્યાને લઈ રાજ્યો પ્રમાણે બેન્ક રજાઓ જાહેર કરે છે. ઓગસ્ટમાં પણ કેટલીક એવી તારીખો છે, જ્યારે વિવિધ રાજ્યોમાં બેન્ક સેવાઓ ઉપલબ્ધ નહીં રહે, જેના કારણે નાણાકીય વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે.
છેલ્લે, ATF (Aviation Turbine Fuel) એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પણ વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ATFની કિંમતમાં પ્રતિ કિલોલીટર ₹2,679નો વધારો કર્યો છે, જેથી કુલ કિંમત હવે ₹92,022 પ્રતિ કિલોલીટર થઈ છે. આ વધારાથી એરલાઇન્સના ઓપરેશનલ ખર્ચમાં વધારો થશે, જેનો સીધો અસર હવાઈ મુસાફરીના ટિકિટ ભાડાં પર પડી શકે છે.
આ તમામ ફેરફારો સામાન્ય માણસના નાણાકીય આયોજન અને માસિક બજેટ પર અસર કરશે. કેટલીક જગ્યા પર રાહત મળી છે, તો કેટલીક જગ્યાએ ખર્ચ વધવાનો સંકેત છે, તેથી નાગરિકોએ તેમના ખર્ચ અને સેવિંગ્સની યોજના તે મુજબ બદલી લેવી જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel