આંખોની તંદુરસ્તી જાળવી રાખવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધી રહેલો ઉપયોગ આપણી આંખો પર ઊંડી અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આપણે આપણા આહારમાં એવા ફૂડને સામેલ કરીએ જે આપણી આંખોની રોશની જાળવી રાખે. વિટામીન A થી ભરપૂર ફૂડ આંખના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.
ગાજર
ગાજરને વિટામીન Aનો મહત્ત્વપૂર્ણ સોર્સ માનવામાં આવે છે. તેમાં બીટા-કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થઈ જાય છે અને રેટિનાને હેલ્ધી રાખવામાં મદદરૂપ બને છે. ગાજરના નિયમિત સેવનથી આંખોની રોશની વધે છે અને આંખોનો થાક પણ ઓછો થાય છે.
પાલક
લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક ખાસ કરીને આંખો માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન A, લ્યુટિન અને જિયાઝેન્થિન હોય છે, જે આંખના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે અને વધતી ઉંમર સાથે થતી દ્રષ્ટિની સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.
ઈંડા
ઈંડામાં વિટામિન એ, ઝિંક અને લ્યુટીન હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઈંડાના પીળા ભાગમાં લ્યુટીન સારી માત્રામાં હોય છે, જે રેટિનાને હાનિકારક કિરણોથી બચાવે છે. તેના નિયમિત સેવનથી આંખોનું રક્ષણ થાય છે અને દ્રષ્ટિની ગુણવત્તામાં સુધારો થાય છે.
શક્કરિયા
ગાજરની જેમ જ શક્કરિયામાં પણ બીટા-કેરોટીનની હાઈ ક્વોન્ટિટી હોય છે. તે આંખના સેલ્સનું રક્ષણ કરવામાં મદદરૂપ બને છે અને આંખોની નમી જાળવી રાખે છે. તેના નિયમિત સેવનથી આંખોની રોશની લાંબા સમય સુધી મજબૂત બની રહે છે.
સંતરુ
સંતરામાં વિટામીન Cની સાથે-સાથે વિટામીન A પણ હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે આંખોના ટિશ્યૂઝને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને દ્રષ્ટિને સારી બનાવે છે.