સુવાલી બીચને વિકસાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે ડભારી દરિયા કિનારાનો વિકાસ કરાશે વનમંત્રી મુકેશભાઈ પટેલ
પ્રથમ દિવસે લોકગાયિકા કિંજલ દવેએ ગીતસંગીતની રમઝટ બોલાવી: મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા
ખાણીપીણીના સ્ટોલ્સમાં સખીમંડળની બહેનોની મિલેટ્સની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની વિશેષ ઉપસ્થિતિ
દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨૦ થી ૨૨મી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે, એટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે, સ્વસહાય જૂથો, સખીમંડળની બહેનો પોતાની હસ્તકલા, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે આગામી દિવસોમાં પાકી દુકાનો, સ્થાયી સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે રૂ.૧ કરોડ હજીરા નોટીફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે.
વનમંત્રીશ્રીએ કહ્યું કે, સુવાલીના દરિયાકિનારે લોકો આવીને સૌદર્યનો લહાવો લઈ શકે તે માટે હાલ રૂ. ૨૮ કરોડના ખર્ચે રોડ રસ્તા, વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈ દ્વારા બીચને ડેવલપ કરવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં પીપીપી ધોરણે એડવેન્ચર પાર્ક બને તેવું આયોજન હોવાનું જણાવી ડભારી દરિયા કિનારાને ડેવલપ કરવા રૂ.૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી.
વનમંત્રીશ્રીએ ઉમેર્યું કે, એક સમયે ગોઝારો ગણાતો બીચ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુવાલી દરિયામાં અકસ્માત સર્જતી ટેકરી કુદરતી રીતે ડિમોલિશ થઈ ગઈ છે એમ જણાવી આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં ન્હાવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજય સરકારે રૂ.૫૦ કરોડની માતબર ફાળવણી કરી છે. બીચ સુધી આવવા માટે ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા રૂ.૪.૭૧ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ નિર્માણ પામશે. બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે.
નોંધનીય છે કે, સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુવાલીમાં મિની ગોવાની ઝલક મળે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય સર્વશ્રી અરવિંદ રાણા, મનુ પટેલ, મોહનભાઈ ઢોડિયા, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ ગીતસંગીતની રમઝટ બોલાવી
બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ સમારોહમાં ગીતસંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યાં હતા. સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરકયા હતા. કિંજલ દવેએ સુમધુર સ્વરે વિવિધ લોકગીતો, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસતરબોળ કર્યા હતા.
સુવાલી બીચ ફેસ્ટીવલમાં ખાણી પીણી, એડવેન્ચર અને દરિયાકિનારાનો આહલાદક આનંદ
સુવાલી બીચ ફેસ્ટીવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃતિઓમાં બીચ વોલિબોલ, દોરડા ખેંચ, કાઈટ્સ, ઊંટસવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર આ ક્લાઈમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃતિઓ- માટી કળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે.
સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે. બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ-વૃદ્ધ સૌને ગમી જાય તેવો અવસર સુરતીઓને પ્રાપ્ત થયો છે.