દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલ સદ્ભાવના પાર્કમાં બુધવારે (20 ઑગસ્ટ) એક મોટો અકસ્માત સર્જાયો, જ્યારે ત્રણ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જ દિલ્હીની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા, જેમાંથી ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ દુર્ભાગ્યવશ ત્રણ શ્રમિકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા.
દિલ્હી પોલીસે જણાવ્યું કે ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની સંભાવના છે, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન સંપૂર્ણ સાવચેતી સાથે હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ પણ ઘટનાને ગંભીરતાથી લઈને જરૂરી પગલાં શરૂ કર્યા છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે બચાવ કામગીરી અંતિમ રિપોર્ટ સુધી ચાલુ રહેશે અને એકવાર સમગ્ર કાટમાળ દૂર કરવામાં આવશે ત્યારબાદ જ નુકસાન અને કારણોની સ્પષ્ટ માહિતી સામે આવશે.
#WATCH | Delhi | Central District DCP Nidhin Valsan says, "Today, around 12 pm, a PCR call was received at the Daryaganj Police Station that an under-construction building collapsed. The police teams immediately reached the spot. Three people (labourers) lost their lives in the… https://t.co/Tha8CyOHWh pic.twitter.com/81Q1FvD4iV
— ANI (@ANI) August 20, 2025
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી ઇમારત ધરાશાયી થવાનું સાચું કારણ બહાર આવ્યું નથી. પ્રાથમિક રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગ જૂની હોવાને કારણે માળખાકીય કમજોરી અથવા બાંધકામમાં થયેલી ખામીના કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે. આ પહેલી ઘટના નથી, કારણ કે 12 જુલાઈએ પણ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા.
આ સતત બની રહેલી ઘટનાઓએ દિલ્હીમાં જૂની અને જોખમી ઇમારતોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોનો પણ આક્ષેપ છે કે ઘણા વિસ્તારોમાં જૂની અને અણધારી બિલ્ડિંગો હજી પણ ચાલી રહી છે, જે ક્યારે પણ મોટો ભયંકર અકસ્માત સર્જી શકે છે. હવે તપાસ એ દિશામાં કેન્દ્રિત કરવામાં આવશે કે આ બિલ્ડિંગ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી હતી કે નહીં અને સુરક્ષા માપદંડોનું પાલન થયું હતું કે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel