હાલ ઉનાળુ વેકેશન શરૂ થતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા સમર સ્પેશિયલ, સાપ્તાહિક, દ્વિ-સાપ્તાહિક ટ્રેનો કાર્યરત કરવામાં આવી છે. આ ટ્રેનોને આણંદ અને નડિયાદ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશનમાં મોટાભાગે લોકો બહાર ફરવા જતા હોવાથી બસ અને ટ્રેનોમાં મુસાફરોનો ધસારો જોવા મળે છે. જેને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા સમર સ્પેશિયલ સહિત સાપ્તાહિક અને દ્વિ-સાપ્તાહિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કાર્યરત કરાયેલી ટ્રેનોમાં ગાડી નં.૦૯૫૨૫ હાપા-નાહરલગાંવ સાપ્તાહિક ટ્રેન ૧૭ એપ્રિલથી શરૂ કરાઈ છે. આ ટ્રેન દર બુધવારે રાત્રે ૧૨.૪૦ કલાકે હાપાથી પ્રસ્થાન કરી શુક્રવારે ૧૬.૦૦ કલાકે નાહરલગાંવ પહોંચશે.
જ્યારે તા.૨૦મી એપ્રિલથી શરૂ કરાયેલી ટ્રેન નં.૦૯૫૨૬ નાહરલગાંવ-હાપા દર શનિવારે ૧૦.૦૦ કલાકે નાહરલગાંવથી ઉપડીને મંગળવારે રાત્રે ૧૨.૩૦ કલાકે હાપા પહોંચશે. એસી, ટુ ટાયર, થ્રી ટાયર, સ્વીપર ક્લાસ અને સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચ ધરાવતી ટ્રેન આવન-જાવનના બને સમયે આણંદ અને નડિયાદમાં થોભશે. શરૂ કરાયેલી અન્ય ટ્રેનમાં ગાડી નં.૦૯૪૧૭ અમદાવાદ-દાનાપુર વીકલી સ્પેશ્યલ તા.૧૫મી એપ્રિલથી શરૂ કરાઈ છે. આ ટ્રેન દર સોમવારે સવારે ૯.૧૫ કલાકે અમદાવાદથી ઉપડી બીજા દિવસે ૨૦.૩૦ કલાકે દાનાપુર પહોંચશે. જ્યારે તા.૧૬મી એપ્રિલથી શરૂ કરાયેલી ગાડી નં.૦૯૪૧૮ દર મંગળવારે ૨૩.૫૦ કલાકે દાનાપુરથી ઉપડી દર ગુરૂવારે ૧૧.૧૦ કલાકે અમદાવાદ પહોંચશે. એસી ટુ ટાયર, થ્રી ટાયર, સ્વીપર ક્લાસ અને જનરલ સેકેન્ડ ક્લાસના કોચ ધરાવતી ટ્રેનને આવનજાવનના બન્ને સમયે નડિયાદ સ્ટોપેજ આપવામાં આવ્યું છે.