રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી છે. તેમજ જો પીછેહટ કરી તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, યુક્રેન ક્યારેય પણ નાટોમાં સામલે થઈ શકે નહીં.
યુક્રેનની નાટોમાં સામેલ થવાની મહત્ત્વાકાંક્ષાઓના કારણે રશિયા સાથે સર્જાયેલા યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવા ટ્રમ્પ, પુતિન, ઝેલેન્સ્કીએ કેટલીક શરતો મૂકી છે. જેમાં અમેરિકા 350 અબજ ડોલરમાં યુક્રેનના દુર્લભ ખનિજ સ્રોતો પર કબજો મેળવવાની રેર અર્થ ડીલ કરવા માગે છે. ટ્રમ્પે આ ડીલ પર ભાર મૂકતાં ઝેલેન્સ્કીને ધમકી આપી છે કે, યુક્રેનના અધિકારી વર્તમાન ખનિજ સોદાની સમીક્ષા કરી રહ્યા છે. ઝેલેન્સ્કીએ અગાઉ આ ડીલ કરવા માટે સહમતિ દર્શાવી હતી. પરંતુ હવે તે પીછેહટ કરવા માગી રહ્યા છે. જો તેમણે આ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો તો યુક્રેને તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે.
ક્યારેય નાટોનો સભ્ય બની શકે નહીં.
ટ્રમ્પે આગળ કહ્યું કે, યુક્રેન નાટોનો સભ્ય બનવા માગે છે. પરંતુ તે ક્યારેય નાટોનો સભ્ય બની શકશે નહીં. આ વાત તે પોતે પણ જાણે છે. ઝેલેન્સ્કીએ 28 માર્ચે કહ્યું હતું કે, તે એવા ખનિજ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં, કારણકે તે યુક્રેનની યુરોપિયન સંઘમાં સામેલ થવાની યોજનામાં અડચણ ઉભી કરી શકે છે. યુક્રેન યુરોપિયન સંઘમાં પ્રવેશ માટે અડચણરૂપ યોજનાનો સ્વીકાર કરવા માગતુ નથી. પરંતુ અમે તેમને ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે, તેઓ આ ડીલમાં પીછેહટ કરી શકશે નહીં.
રશિયાના પ્રમુખને પણ આપી ચેતવણી
ટ્રમ્પે વધુમાં રશિયાના પ્રમુખ પુતિનને પણ ચેતવણી આપી છે કે, કાં તો રશિયા યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા સહકાર આપે અથવા તો રશિયન ઓઈલ પર વધારાના ટેરિફનો સામનો કરવા તૈયાર રહે. પુતિન યુદ્ધના સીઝફાયરમાં સતત રોડાં નાખી રહ્યા છે. પુતિનના આ વલણથી અમેરિકા રશિયાના ક્રૂડ પર 25થી 50 ટકા વધારાનો ટેરિફ લાદી શકે છે.