ઉમરેઠ M.G.V.C.L. (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) માં છેલ્લા પાંચેક વર્ષથી એવો ઉદાસીનતા ભર્યો વહીવટ ચાલી રહ્યો છે કે તેનાથી ઉમરેઠ નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બારે મહિના સાંજ પડતાં વીજળીના વોલ્ટેજ એવા ધિરા થઇ જાય છે કે વીજળી ઉપકારણો બરાબર ચાલતા જ નથી અને ખોટકાઈ જાય છે. ખાસ કરીને જેમ ઉનાળો શરુ થાય એટલે સાંજ પડતા જ વોલ્ટેજ એકદમ ધીરા થઇ જાય. પાંચ પર રાખેલ પંખો એવો ચાલે કે જાણે એક પર ચાલી રહ્યો હોય. લાઈટ અને બલ્બ તો વળી સાવ ધીમા પડી જાય.
ખાસ કરીને ઉમરેઠના બોરડી ફળીયા, સુંદર બજાર, પંચવટી, કાકાની પોળ, ત્રણ પોળ, આંબલી ચકલા, પાટ પોળ જેવા વિસ્તારોમાં તો જાણે સાંજ પડ્યે વીજળીના ધાંધિયા શરુ થઇ જાય. ના પંખો ફરે ના કુલર કે ના એસી એટલે લોકો રાત્રે ઉજાગરા કરવા મજબુર બની ગયા છે. એમાં પણ ઉંમર લાયક વ્યક્તિઓ, સગર્ભા મહિલાઓ, નાના બાળકો અને બીમાર વ્યક્તિઓ માટે તો આ એક ભયાનક સજા બની ગઈ છે. અનેક લોકોના ઘરમાં એકાએક વોલ્ટેજ વધવા ઘટવાથી ટીવી, વોશીન્ગ મશીન જેવા વિદ્યુત ઉપકરણો બગડી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં અનેક લોકોએ અનેક પ્રકારની ફરિયાદો MGVCL ઓફિસમાં કરી પણ કેવળ ઠાલાં આશ્વાસનો સિવાય કઈ જ મળતું નથી.
એક કિસ્સામાં તો એવુ બન્યું કે એક ઉંમર લાયક માજીને શારીરિક તકલીફ હોવાથી ઇલેક્ટ્રિક મશીન દ્વારા ઘરમાં જ ઓક્સિજન આપવામાં આવતો હતો પણ એક દિવસ જ્યારે માજીને ઓક્સિજન આપવા મશીન ચાલુ કર્યું તો ઓછા વોલ્ટેજને કારણે મશીન કામ ન કરી શક્યું અને માજીનું દેહાંત થઇ ગયું. ઉમરેઠના રહેવાસીઓ વર્ષોથી વિનંતી અને ફરિયાદો કરીને કંટાળ્યા છે અને હવે જો આનું સમાધાન નહી થાય તો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરવાની વાત કરી રહ્યા છે.
ઉમરેઠ MGVCL માં ઉચ્ચ અધિકારી જુનિયર એન્જીનીયર નયનભાઈ ભટ્ટ છે. જ્યારે એન્જીનીયરને વિડિઓ પર આ વિશે ખુલાસો આપવાનું કહેવામાં આવ્યું તો “મારાથી જાહેરમાં વિડિઓ ન અપાય” તેમ કહીને તેઓ વિડિઓથી બચતા રહ્યા. મૌખિક વાતમાં તેમણે જણાવ્યું કે ઉમરેઠમાં ઇલેક્ટ્રિક ડીપી ઓછી છે તેના કારણે આવું થાય છે અને નવી ડીપી માટે જગ્યા મળી નથી રહી. તો આનો અર્થ એવો માનવો કે છેલ્લા પાંચ વર્ષથી ઉમરેઠ MGVCL નવી ડીપી માટે જગ્યા પણ ના શોધી શક્યા ? પણ જ્યારે જાહેર લોકો વચ્ચે જઈને તપાસ કરવામાં આવી ત્યારે એવુ જણાયું કે ઘણી જગ્યાએ ડીપી ઉભી કરવા જગ્યા તો છે પણ અમુક વ્યક્તિઓના વ્યક્તિગત વિરોધોને કારણે જુનિયર એન્જીનીયર આગળ નથી વધી રહ્યા.
હવે જોવાનું એ રહ્યું કે આ ઉનાળામાં લોકોને ઉજાગરા જ થવાના છે અને ઉંમર લાયક તથા બીમાર વ્યક્તિઓએ સહન જ કરવાનું છે કે ઉમરેઠ MGVCL આનો કોઈ સકારાત્મક સમાધાન લાવે છે.
રિપોર્ટર – ધનંજય શુક્લ (ઉમરેઠ)