માર્ચની સરખામણીએ એપ્રિલમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝકશન્સમાં વોલ્યુમની દ્રષ્ટિએ એક ટકો અને મૂલ્યની દ્રષ્ટિએ ૦.૭૦ ટકા ઘટાડો નોંધાયો છે. માર્ચમાં રૂપિયા ૧૯.૭૮ ટ્રિલિયનની સરખામણીએ એપ્રિલમાં રૂપિયા ૧૯.૬૪ ટ્રિલિયનના વ્યવહાર પાર પડયા હતા. વ્યવહારની સંખ્યા ૧૩.૪૪ અબજથી ઘટી ૧૩.૩૦ અબજ રહી હતી.
૨૦૨૩ના એપ્રિલની સરખામણીએ વર્તમાન વર્ષના એપ્રિલમાં યુપીઆઈ વ્યવહારમાં નોંધપાત્ર વધારો થયો છે.
સામાન્ય રીતે માર્ચમાં યુપીઆઈ મારફતના વ્યવહાર વધુ રહેતા હોય છે માટે એપ્રિલના વ્યવહારની માર્ચ સાથે સરખામણી કરવાનું યોગ્ય જણાતું નથી. નોટબંધી બાદ લોન્ચ કરાયેલા યુપીઆઈ મારફતના વ્યવહારમાં મોટેભાગે વધારો જ જોવા મળ્યો છે.
દેશભરમાં ડિજિટલના સ્વીકારને પરિણામે યુપીઆઈના વપરાશમાં વધારો થઈ રહ્યો છે. એપ્રિલમાં વાર્ષિક ધોરણે યુપીઆઈ ટ્રાન્ઝકશન્સ વોલ્યુમની દ્રષ્ટિએ ૫૦ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ચાલીસ ટકા ઊંચા રહ્યા છે.