લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી મે મહિનાની ૭ મી તારીખે યોજાનારી આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં તમામ સાત વિધાનસભા વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે.
જે અંતર્ગત ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી શિવાંગી શાહના દિશાનિર્દેશ હેઠળ અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં ઉમરેઠમાં આવેલી વલ્લભનગર સોસાયટી તથા ખાનકુવા અને ધુળેટા ગામવિસ્તારની મહિલા મતદારોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા જાગૃત કરાયા હતાં.
આ મતદાન જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત મતદારોને ’’હું મતદાન અવશ્ય કરીશ’’ સૂત્ર સાથે મતદાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને પોસ્ટર દ્વારા મતદાર મહિલાઓને મતદાન જરૂર કરવા માટે પ્રેરણા પૂરી પાડીને આમંત્રણ પત્રિકાની વહેંચણી પણ કરવામાં આવી હતી.
આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર ઉમરેઠ, ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફીસર, ખાનકુવા અને ધુળેટા ગામના તલાટી કમ મંત્રી, તાલુકા લાઈવલીહુડ મેનેજર, એન.આર.એલ.એમ આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે જિલ્લામાં કુલ ૧૭,૬૮,૮૫૧ મતદારો નોંધાયેલા છે. ૧૧૧- ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં ૨,૭૨,૩૬૫ મતદારો નોંધાયા છે જેમાંથી કુલ ૧,૩૩,૭૭૯ મહિલા મતદારો છે.