દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે 1 અને 2 મે 2026ના રોજ ઑરો યુનિવર્સીટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ યોજાવાની છે. આ કોન્ફરન્સથી ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણ આકર્ષાવાની સાથે વૈશ્વિક ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે સીધું નેટવર્કિંગ મજબૂત બનશે.
‘સિલ્ક સિટી’ સુરતનો વૈશ્વિક ઉદ્યોગમાં દબદબો
સુરત શહેર ઐતિહાસિક રીતે વેપાર અને ઉદ્યોગ માટે જાણીતું રહ્યું છે. મુઘલકાળથી વૈશ્વિક વેપાર નકશા પર ઓળખ મેળવનાર સુરત આજે વિશ્વપ્રસિદ્ધ ‘સિલ્ક સિટી’ તરીકે ઓળખાય છે. અહીંથી સદીઓ પહેલા આરબ અને યુરોપ સુધી રેશમી કાપડની નિકાસ થતી હતી.
આજે સુરત એકલું જ ભારતના કુલ આર્ટિફિશિયલ સિલ્કનું લગભગ 90% ઉત્પાદન કરે છે, જે તેની વ્યાપારી શક્તિનું દ્યોતક છે.
ટેક્સટાઈલ ઉદ્યોગ: અર્થતંત્રનું મજબૂત એન્જિન
સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ આજે આશરે ₹1.5 લાખ કરોડના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચ્યો છે. શહેરમાં 240થી વધુ માર્કેટ્સ અને 70,000થી વધુ વેપારીઓનું નેટવર્ક કાર્યરત છે.
આ ઉદ્યોગ સીધા અને પરોક્ષ રીતે 18 થી 20 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે અને ગુજરાતના GDPમાં 25%થી વધુ યોગદાન આપે છે.
વૈશ્વિક સપ્લાય ચેઈન અને પ્રોડક્શન ક્ષમતા
સુરતમાં દરરોજ અંદાજે 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. અહીં 600થી વધુ પ્રોસેસ હાઉસ અને લાખો પાવરલૂમ્સ કાર્યરત છે.
સુરતમાંથી દરરોજ હજારો પાર્સલ રોડ, રેલવે અને એર કાર્ગો મારફતે વિશ્વભરમાં મોકલવામાં આવે છે. અમેરિકા, ઇઝરાયેલ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં સુરતના ટેકનિકલ ટેક્સટાઈલ્સની ભારે માંગ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીથી મળશે ગતિ
બુલેટ ટ્રેન, કોસ્ટલ રોડ અને પીએમ મિત્ર પાર્ક જેવા પ્રોજેક્ટ્સ ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ટેક્નોલોજી અપગ્રેડેશન અને નવીનતા માટે સરકાર તરફથી મળતી સહાય ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવશે.
નીતિઓથી ઉદ્યોગને વેગ
ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2019 હેઠળ સુરત જિલ્લાના ઉદ્યોગોને ₹2325 કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે. તેમાં વ્યાજ સહાય, વીજ દરમાં રાહત અને ટેકનિકલ ટેક્સટાઈલ માટે મૂડી સહાયનો સમાવેશ થાય છે.
નવી ‘ટેક્સટાઈલ પોલિસી-2024’ હેઠળ 10% થી 35% સુધીની કેપિટલ સબસિડી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી વધારવા માટે વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
કોન્ફરન્સથી મળશે વૈશ્વિક તકો
આવતી 1-2 મેની કોન્ફરન્સથી વિદેશી રોકાણમાં વધારો, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધો સંપર્ક અને નવી ટેક્નોલોજીના આદાન-પ્રદાનથી સ્થાનિક ઉદ્યોગકારોને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી મળશે.
આથી સુરતની ‘સિલ્ક સિટી’ તરીકેની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel