ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે તેવી આશા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્યક્ત કરી છે.
યુદ્ધ વિરામ અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ઈઝરાયલ અને હમાસ યુધ્ધ વિરામની નજીક છે અને મારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ મને આપેલી જાણકારી પ્રમાણે આગામી સોમવાર સુધીમાં યુધ્ધ વિરામ જાહેર થશે. જોકે હજી કેટલાક મુદ્દા પર વાતચીત ચાલી રહી હોવાથી આખી નિર્ણય લેવાનો બાકી છે. એક દિવસ પહેલા જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે, ઈઝરાયલ-અમેરિકા અને ઈજિપ્ત તેમજ કતારના પ્રતિનિધિઓએ પેરિસમાં મુલાકાત કરી છે. આ દરમિયાન હમાસે બંધક બનાવેલા લોકોની મુક્તિના બદલામાં કામચલાઉ ધોરણે યુદ્ધ વિરામ માટે તમામ પક્ષો સંમત થયા છે.
ઉલ્લેખનીય છે કે, મોસાદના ડાયરેકટર ડેવિડ બાર્નિયા સહિતના ઈઝરાયેલના પ્રતિનિધિ મંડળના સભ્યોએ અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએના ડાયેકટર બિલ બર્ન્સ તેમજ ઈજિપ્ત અને કતારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. એવું કહેવાય છે કે, ઈઝરાયલ અને હમાસના પ્રતિનિધિઓ એક બીજા સાથે સીધી વાત નથી કરતા અને કતર તેમજ ઈજિપ્ત તેમના વતી મધ્યસ્થીની કામગીરી કરે છે. પેરિસમાં થયેલી મુલાકાત બાદ હમાસને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
ગત વર્ષે સાત ઓક્ટોબરે હમાસે ઈઝરાયલમાં ઘૂસીને કરેલા આતંકી હુમલામાં 1200 જેટલા લોકોના મોત થયા બાદ ઈઝરાયલે હમાસ સામે જંગ છેડી હતી, જે હજુ પણ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધી હજારો નિર્દોષોના મોત થયા છે, જ્યારે ગાઝાના 85 ટકા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.