વિકાસ સાધવો હોય તો માત્ર મોટા દેશોનો જ નહીં નાના નાના દેશોના સાથ, સહકાર અને સહયોગ પણ જરૂરી બને છે. નાના દેશો ઘણી વખત બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત પૂરી કરીને નાનકડા દેશ ઓસ્ટ્રિયા જઇ આવ્યા. ઓસ્ટ્રિયા આપણા રાજય બિહાર કરતા પણ નાનો દેશ છે. 83,879 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલા યુરોપના આ દેશની વસતિ 90 લાખ કરતા થોડીક વધુ છે. ઓસ્ટ્રિયા લેન્ડલોક કન્ટ્રી છે. મતલબ કે ત્યાં દરિયો નથી. જર્મની, ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, હંગેરી, સ્લોવેનિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી સાથે જમીનથી જોડાયેલા ઓસ્ટ્રિયાની રાજધાની વિએના છે. વિએના શહેર ઇન્ટરનેશનલ ઇવેન્ટસ માટે આખી દુનિયામાં જાણીતું છે. ઓસ્ટ્રિયાની ગણના યુરોપના સૌથી સુખી દેશ તરીકે થાય છે. ભારત અને ઓસ્ટ્રિયાના સંબંધો પ્રાચીન સમયથી સારા રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે કલ્ચરલ એક્સચેંજનો ઇતિહાસ પણ 16મી સદી પહેલાનો છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર 1921 અને 1926 એમ બે વખત ઓસ્ટ્રિયાની મુલાકાતે ગયા હતા. ભારતીય મૂળના 31 હજાર જેટલા લોકો ઓસ્ટ્રિયામાં વસ્યા છે. પંજાબ અને કેરળના લોકો ત્યાં સૌથી વધુ છે. ઓસ્ટ્રિયાના હેલ્થ સેકટર સાથે મોટા પ્રમાણમાં ભારતીયો સંકળાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી ઓસ્ટ્રિયા મુલાકાત છે આમ તો પૂરા 41 વર્ષ પછી ભારતના વડાપ્રધાને ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી છે. વર્ષ 1983માં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. ઇંદિરાજીની એ બીજી મુલાકાત હતી. 1971માં પણ તેઓ ઔસ્ટ્રિયા ગયા હતા. સૌથી પહેલા આપણા દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1955માં ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. આઝાદીના સમયથી બંને દેશો નજીક રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયામાં ભવ્ય સ્વાગત થયું. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ વૈન ડેર બેલેન અને ચાન્સલર કાર્લ નેહમર સાથે મુલાકાત કરી અને બંને દેશોના સંબંધ વધુ આગળ લઇ જવાનો નિર્ધાર કર્યો. આ વર્ષે ફેબ્રુઆરી, 2024માં ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે સ્ટાર્ટઅપ બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો હતો. ચાન્સેલર કાર્લે વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી લઇને સોશિયલ મીડિયા પર અપલોડ કરી વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાની ટોપ કંપનીઓના સીઇઓને પણ મળ્યા. ઓસ્ટ્રિયામાં જે થયું એ જોઈને કહી શકાય એમ છે કે, બંને દેશો વચ્ચેનો વેપાર અને સાંસ્કૃતિક સંબંધ નવી ઊંચાઇએ પહોંચવાનો છે. બંને દેશ વચ્ચેના અત્યારના વેપારની વાત કરીએ તો, ભારત અને ઓસ્ટ્રિયાનો દ્વિપક્ષીય વેપાર અહી બિલિયન અમેરિકન ડોલર જેટલો રહ્યો છે વર્ષ 2021માં આપણા દેશે ઓસ્ટ્રિયામાં 1,29 બિલિયન ડોલરની નિકાસ કરી હતી અને 1.18 બિલિયન ડોલરની આયાત કરી હતી. 2023માં બંને દેશ વચ્ચેનો વેપાર 293 બિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો આપણો દેશ ઓસ્ટ્રિયાને મશીનરી, ઇલેક્ટ્રિકલ સામાન, ઓર્ગેનિક કેમિકલ, આયર્ન, સ્ટીલ અને અન્ય ચીજવસ્તુઓ વેચે છે ઓસ્ટ્રિયા પાસેથી આપણે સ્ટેપલ ફાઇબર, ઇલેક્ટ્રોનિક માલસામાન, મેડિકલ ઇક્વિપમેન્ટસ, કેમિકલ, પ્લાસ્ટિક વિગેરે આયાત કરીએ છીએ. હજુ અનેક એવી ચીજવસ્તુઓ છે જેના ખરીદ વેચાણ માટે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
આપણો દેશ દુનિયાની પાંચમા નંબરની ઇકોનોમી છે. ભારત વિશે દુનિયાના આર્થિક નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત જર્મની અને જાપાનને પાછળ રાખીને અમેરિકા અને ચીન પછીની ત્રીજા નબંરની ઇકોનોમી બની જવાનું છે. અર્થતંત્રને આગળ લઈ જવામાં નવા નવા બજારો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઓસ્ટ્રિયા તો પહેલેથી સંબંધ વધારતું આવ્યું છે. 2005માં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ હેંજ કિંશર ભારતની મુલાકાતે આવ્યા હતા. 1980માં ઓસ્ટ્રિયાના ચાન્સલર ફ્રેડ સિનોવાટ્ઝ ભારત આવ્યા હતા. ભારત હોય કે ઓસ્ટ્રિયા, બંને દેશના નેતાઓ જ્યારે જ્યારે પણ વન-ટુ-વન મળ્યા છે ત્યાર પછી સંબંધો હતા એના કરતા સારા જ થતા રહ્યા છે. મોદીની ઓસ્ટ્રિયા યાત્રામાં મજાની વાત એ છે કે મોદી રશિયાની મુલાકાત પતાવીને ઓસ્ટ્રિયા ગયા હતા. ઓસ્ટ્રિયા અને રશિયાને જરાયે બનતું નથી રશિયા અને યુકેન યુદ્ધ બાદ ઓસ્ટ્રિયા સાથેના રશિયાના સંબંધો વધુ તંગ થયા છે. ઓસ્ટ્રિયા યુક્રેનને આઉટરાઇટલી સપોર્ટ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં પ્રેસિડેન્ટ પુટિનને ગળે મળ્યા એમાં યુકેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીને બળાપો ઠાલવ્યો હતો. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના વડા મોસ્કોમાં દુનિયાના સૌથી મોટા અપરાધીને ગળે મળે એ નિરાશાજનક ઘટના છે. ઝેલેન્સ્કીએ આવું કહેવામાં ઉતાવળ કરી એવું ઘણા નિષ્ણાતોનું કહેવું છે. એનું કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનની હાજરીમાં એવું કહ્યું કે યુદ્ધ કોઇપણ સંજોગોમાં યોગ્ય નથી બોંબ અને બંદૂકો વચ્ચે શાંતિ શક્ય નથી મોદીએ પુટિનને યુદ્ધનો અંત લાવવા પણ અપીલ કરી હતી. પુટિને પણ ભારતના મંતવ્યનો સ્વીકાર કર્યો હતો. ભારત અને રશિયા મિત્ર છે પણ એનો અર્થ જરાયે એવો નથી કે આપણો દેશ યુદ્ધનું સમર્થન કરે છે પુટિન સાથે ઉઝબેકિસ્તાનની મુલાકાત વખતે પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે. આ યુગ યુદ્ધનો નથી ઇટાલીમાં જી-7ની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પણ મળ્યા હતા. ભારતે યૂક્રેનને માનવીય સહાય કરી છે. આપણા દેશની નીતિ પહેલેથી વસુધૈવ કુટુમ્બકમની રહી છે. ભારત સમગ્ર વિશ્વને પરિવાર સમજે છે અને બધાનું ભલું ઇચ્છે છે.
ઓસ્ટ્રિયાને રશિયા સામે હજાર વાંધા છે પણ ભારત સાથે કોઇ ઇશ્યૂ નથી. ઓસ્ટ્રિયા પણ સમજે છે કે, દરેક દેશના પોતાના સંબંધો, પોતાની દોસ્તી અને પોતાની દુશ્મનીઓ હોય છે. રશિયાના યૂક્રેન પર આક્રમણ પછી ઓસ્ટ્રિયાએ પોતાના દેશમાંથી રશિયાના રાજદૂતોને હાંકી કાઢ્યા હતા ઓસ્ટ્રિયા રશિયાને પણ લલકારતું રહે છે. ઓસ્ટ્રિયાની ઇમેજ ન્યૂટ્રલ કન્ટ્રી તરીકેની રહી છે પણ યુદ્ધ બાદ તેણે રશિયાની અનેક વખત ટીકા કરી છે અને યુક્રેનને સમર્થન આપ્યું છે. ઝેલેન્સ્કીની ટીકાથી ભારતને બહુ કંઈ ફેર પડે એમ નથી ઝેલેન્સ્કીએ તો ભારતના વખાણ કરીને એવું કહેવું જોઇતું હતું કે, મોદીએ પુટિનને જે કહ્યું એ યોગ્ય અને જરૂરી છે દુનિયાના અનેક દેશોના નિષ્ણાતો એવું કહેતા રહ્યા છે કે પુટિનને જો કોઇ કહી શકે એમ હોય તો એ નરેન્દ્ર મોદી છે ભારત કોઈની શરમ ભરતું નથી. અમેરિકાને પણ આપણા દેશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અમારે શું કરવું એ તમે નક્કી ન કરી શકો અમને જે યોગ્ય લાગે એ જ નિર્ણયો અમે કરીશું ભારત વિશે એવું પણ કહેવામાં આવે છે કે, ભારત બધી તરફથી કાયદો મેળવે છે. અલબત્ત, ભારતની આ નીતિની અનેક દેશ કેવર પણ કરે છે. ઉલટું એવી સલાહો આપવામાં આવે છે કે, પોતાના દેશના જ હિતમાં હોય એવા નિર્ણયો કેવી રીતે કરવા એ દુનિયાએ ભારત પાસેથી શીખવું જોઇએ મોદીની ઓસ્ટ્રિયા મુલાકાત પણ એ વાતનું જ ઉદાહરણ છે કે, ભારત દરેક સાથે સારા સંબંધો જ ઇચ્છે છે.