ભારતીય બાયોલોજિસ્ટ અને વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિનના વિમેન ઓફ ધ યર-૨૦૨૫ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં અસાધારણ મહિલા નેતાઓની કામગીરીને બિરદાવવામાં આવી છે.
ટાઈમ મેગેઝિનની વિમેન ઓફ ધ યર ૨૦૨૫ની લિસ્ટમાં સ્થાન પામનાર ૪૫ વર્ષીય પૂર્ણિમા દેવી બર્મન એકમાત્ર ભારતીય મહિલા છે. આ જાહેરાત દરમિયાન બર્મનની ૨૦૦૭ની કામગીરીને ખાસ યાદ કરવામાં આવી હતી. જ્યારે, અસમમાં દુર્લભ પક્ષી- ગ્રેટર એડજુટન્ટ સ્ટોર્ક્સ (ઢોંક) નો માળો ધરાવતા વૃક્ષને કાપવામાં આવી રહ્યું હતું. ત્યારે, તેમણે અનેક વિરોધ વચ્ચે પણ તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા.
આ દિવસથી જ તેમના લૃપ્તપ્રાય પક્ષી કે જેને આસામમાં ‘હર્ગિલા’ના નામથી પણ ઓળખવામાં આવે છે, તેને બચાવવાના અભિયાનની શરૂઆત થઈ ગઈ હતી. બર્મનના પ્રયાસોમાં તેમની લગભગ ૨૦,૦૦૦ મહિલાઓની ‘હર્ગિલા આર્મી’ મદદરૂપ બની છે. જેઓ પક્ષીઓના માળાનું રક્ષણ કરે છે. આ નેટવર્ક આસામથી ભારતના અન્ય ભાગોમાં અને હવે કંબોડિયા સુધી વિસ્તર્યું છે.
ટાઈમ મેગેઝિનની આ લિસ્ટમાં ૧૩ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોલીવૂડ અભિનેત્રી નિકોલ કિડમેન અને ફ્રાન્સની ગિસેલ પેલિકોટ પણ આ યાદીમાં સામેલ છે. ગિસેલના પતિએ તેને ડ્રગ્સ આપીને ૭૦થી વધુ પુરુષો દ્વારા તેનો બળાત્કાર કરાવ્યો હતો. તે સેક્સ્યુઅલ હિંસા વિરૂદ્ધના અભિયાનમાં વૈશ્વિક પ્રતીક બનીને ઊભરી છે.