સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવવાનો ભારતનો દાવો વધુ મજબૂત બન્યો છે. વાત જાણે એમ છે કે, ટેસ્લાના ચીફ એલન મસ્કે થોડા મહિના પહેલા UNSCમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ વાહિયાત છે. આ તરફ હવે અમેરિકાએ પણ મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. એમ પણ કહ્યું કે, વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે યુએનમાં સુધારો કરવામાં આવે જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, યુએસએ યુએન સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી) સહિત યુએન સંસ્થાઓના સુધારા માટે સમર્થનની ઓફર કરી છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્કના યુએનએસસીમાં ભારતની કાયમી બેઠક ન હોવા અંગેના નિવેદન વિશે પૂછવામાં આવતા વેદાંત પટેલે કહ્યું, રાષ્ટ્રપતિએ યુએન જનરલ એસેમ્બલીમાં તેમની ટિપ્પણીમાં અગાઉ આ વિશે વાત કરી છે અને સચિવે પણ આ વિશે જણાવ્યું છે. અમે 21મી સદીના વિશ્વને પ્રતિબિંબિત કરવા માટે સુરક્ષા પરિષદ સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને ચોક્કસપણે સમર્થન આપીએ છીએ. તે પગલાં શું છે તે વિશે શેર કરવા માટે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ અલબત્ત અમે તેને સ્વીકારીએ છીએ. સુધારાઓ જરૂરી છે.
#WATCH | When asked about Tesla CEO Elon Musk's statement regarding India not having a permanent seat at UNSC, When asked about Vedant Patel, Principal Deputy Spokesperson, US Department of State says, " The President has spoken about this…we certainly support reforms to the UN… pic.twitter.com/UrMzqaSso6
— ANI (@ANI) April 17, 2024
આવો જાણીએ શું કહ્યુ એલન મસ્કે ?
આ વર્ષે જાન્યુઆરીમાં એલન મસ્કે ભારતને UNSCમાં કાયમી બેઠક ન મળવાને ‘વાહિયાત’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, જે દેશોની પાસે જરૂરિયાત કરતાં વધુ શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. X પર એક પોસ્ટમાં મસ્કે કહ્યું, કેટલાક સમયે યુએન સંસ્થાઓમાં સુધારો કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની પાસે વધારાની શક્તિ છે તેઓ તેને છોડવા માંગતા નથી. ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ નથી. આ વાહિયાત છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.
લાંબા સમયથી માંગ કરી રહ્યું છે ભારત
ભારત વિકાસશીલ વિશ્વના હિતોને વધુ સારી રીતે રજૂ કરવા માટે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકની માંગણી કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનથી દેશની શોધને વેગ મળ્યો છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) એ 15 સભ્ય દેશોની બનેલી છે, જેમાં વીટો પાવર સાથે 5 કાયમી સભ્યો અને બે વર્ષની મુદત માટે ચૂંટાયેલા 10 અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. યુએનએસસીના પાંચ સ્થાયી સભ્યોમાં ચીન, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.