મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. તમામ રાજકીય પાર્ટી જનતા સુધી પોતાના મુદ્દા પહોંચાડવામાં કોઈ કચાસ છોડવા નથી માગતી. આ વખતે ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સીધો મુકાબલો મહાવિકાસ અઘાડી અને મહાયુતિની વચ્ચે છે. આ ચૂંટણીમાં હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે RSSની એન્ટ્રી પણ થઈ ચુકી છે. RSS પોતાના 65થી વધારે સહયોગી સંગઠનો દ્વારા મહારાષ્ટ્રમાં ‘સજગ રહો’ નામનું અભિયાન ચલાવી રહી છે. RSSની આ ટીમને ‘સ્પેશ્યલ 65’ કહેવામાં આવી રહ્યું છે.
RSSની ‘સ્પેશ્યલ 65’ના આ અભિયાનનો હેતુ ફક્ત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મજબૂત કરવાનો નથી, પરંતુ કથિત રીતે હિન્દુઓમાં ભાગલા પાડનારની સામે જવાબી કાર્યવાહી કરવાનો પણ છે. RSSનું માનવું છે કે, ચૂંટણી દરમિયાન આ પ્રકારના પ્રયાસની અસર જમીન પર જરૂર જોવા મળશે અને ક્યાંકને ક્યાંક મહાયુતિને પણ તેનો ફાયદો થશે.
રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, RSS જે સમયે આ અભિયાનની શરૂઆત કરી રહ્યું છે, તે મહારાષ્ટ્ર્ ચૂંટણી પરિણામ પર અસર પાડશે. કહેવામાં આવી રહ્યું છે કે, RSSના આ અભિયાનથી જમીની સ્તર પર મહાયુતિ ગઠબંધનને ફાયદો થશે. આવું એટલા માટે પણ છે કારણે કે, આ અભિયાનથી મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન હિન્દુ વોટ બેન્કને પોતાની બાજુમાં લાવવાના પ્રયાસ પણ તેજ કરી રહ્યું છે.
હિન્દુઓને જાગૃત કરવાનું અભિયાન
RSSનું ‘સજગ રહો’ અભિયાન લોકસભા ચૂંટણી બાદ ચલાવવામાં આવી રહેલાં ત્રણ રાષ્ટ્રીય અભિયાનનો સૌથી મોટો ભાગ છે. તેને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હાલમાં જ થયેલાં હુમલા બાદ પણ ખાસ રીતે ચલાવવામાં આવી રહ્યું છે, જેથી હિન્દુઓને જાગૃત કરી શકાય. આ ત્રણ સૂત્રીય અભિયાન પહેલાં બે સૂત્ર છે. જેમાંથી પહેલું યોગી આદિત્યનાથની ટિપ્પણી ‘બટેંગે તો કટેંગે’ અને બીજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી ‘એક રહેંગે સેફ રહેંગે’ છે.
‘કોઈની વિરૂદ્ધમાં નથી આ અભિયાન’
RSS સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ‘સજગ રહો’ અભિયાન કોઈની વિરોધમાં નથી. આ અભિયાનનો હેતુ હિન્દુઓની વચ્ચે જાતિ વિભાજનને ખતમ કરવાનો છે. ભાજપ સાથે જોડાયેલા એક સૂત્ર અનુસાર, આરએસએસ સ્વયંસેવક અને 65થી વધારે બિનસરકારી સંગઠનો દ્વારા આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુ મતદાતાઓની એકતાથી મહાયુતિને શું લાભ થશે?
કહેવામાં આવી રહ્યું છે કે, જો આરએસએસના આ અભિયાનથી હિન્દુ મતદાતા એક થયા તો તેનો સૌથી વધારે ફાયદો મહાયુતિ ગઠબંધનને થશે. એટલે આ ચૂંટણીમાં આરએસએસના આ અભિયાનથી મતદાતાઓને કોઈ એક પાર્ટી અથવા ગઠબંધન વિશેષની તરફ વળવામાં મદદ મળી શકે છે. જાણકાર માની રહ્યા છે કે, આરએસએસના આ અભિયાનની ટાઇમિંગ પણ ઘણું બધું જણાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ યોજના હેઠળ જ આ અભિયાનને એવા સમયે શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી છે.