પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં મહિલા અનામત બિલને મંજુરી આપવામાં આવી છે. જેને હવે સંસદમાં રજુ કરવામાં આવશે. મહિલા અનામત બિલ એ ભારતમાં હાલ ખરડો છે, જે રાજકારણમાં મહિલાઓ માટે એક ભાગ અનામત રાખીને તેમની ભાગીદારી વધારવાની ખાતરી કરવા માટેનું બિલ છે. રાજકારણમાં મહિલાઓની સ્થિતિ વિશે વાત કરીએ તો તે ક્યારેય શ્રેષ્ઠ રહી નથી. પહેલી લોકસભાની રચના 1952માં થઈ હતી અને તેમાં માત્ર 24 મહિલા સાંસદો હતા. આ સંખ્યા વધઘટ થતી રહી પરંતુ ક્યારેય 14 ટકાથી વધી નથી. હવે વર્તમાન લોકસભામાં એટલે કે 17મી લોકસભામાં મહિલા રાજકારણીઓની મહત્તમ સંખ્યા 78 એટલે કે લગભગ 14 ટકા છે.
મહિલા અનામત બિલ શું છે?
છેલ્લા 27 વર્ષથી આ બિલની માંગ કરવામાં આવી રહી છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. જેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામતમાં એક તૃતિયાંશ સીટમાં SC અને ST સમુદાયની મહિલાઓ માટે અનામત થઇ જશે. આ અનામત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયા મુજબ ફાળવવામાં આવશે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે.
આ બિલમાં એક પ્રસ્તાવ એવો પણ છે કે લોકસભાની દરેક ચુંટણી બાદ અનામત બેઠકને રોટેટ કરવામાં આવવી જોઈએ. અનામત સીટ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના વિભિન્ન નિર્વાચન ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયાથી વહેચણી કરવામાં આવી શકે છે.
2029 પહેલા દેશમાં આ બિલ નહિ થઇ શકે લાગુ
મહિલા અનામત બિલ પાસ થયા બાદ પણ પુરા દેશમાં વર્ષ 2029માં લાગુ થશે. કારણે કે તેના માટે લોકસભાની સીટો પર પરમીશનની શરતો રાખવામાં આવી છે. આ પરમીશન માટે બંધારણીય પ્રક્રિયાની શરૂઆત થયા બાદ ઓછામાં ઓછા બે વર્ષ લાગશે. આ ઉપરાંત એ બાબત પણ નક્કી નથી કે પરમીશન પ્રોસેસ પૂરી થયા બાદ વિધાનસભાની ચુંટણી થાય ત્યારે જે તે રાજ્યમાં આ પ્રાવધાન લાગુ પડે કે કેમ? તેમાં અનામત ક્વોટાની વ્યવસ્થા કેવી હશે? અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી તેમજ OBC માટેનો ક્વોટામાં મહિલાઓને અનામતના લાભની પ્રક્રિયા શી હશે? આ ઉપરાંત ઘણી અન્ય કાનૂની અને બંધારણીય સમસ્યાઓ હશે.
કેટલા વર્ષ જૂની અનામતની માંગ?
12મી સપ્ટેમ્બર આ બીલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 12મી સપ્ટેમ્બર, 1996માં પહેલીવાર મહિલા અનામત બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યું તેને 27 વર્ષ થશે. તે સમયગાળામાં એચ.ડી. દેવગૌડાની સરકાર હતી અને મહિલા અનામત બિલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો, આથી બિલ માત્ર રજૂ કરવામાં આવ્યું હતું, પસાર થઈ શક્યું ન હતું.
એચ.ડી. દેવગૌડા સરકાર દ્વારા 81મા બંધારણીય સુધારા વિધેયક તરીકે પ્રથમ વખત મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી જ દેવગૌડા સરકાર લઘુમતીમાં આવી અને 11મી લોકસભા ભંગ કરી દેવામાં આવી. આ બિલને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સાંસદ ગીતા મુખર્જીની અધ્યક્ષતાવાળી સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ સમિતિએ તેનો અહેવાલ 9 ડિસેમ્બર, 1996ના રોજ લોકસભામાં રજૂ કર્યો હતો.
અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની NDA સરકારે 12મી લોકસભામાં મહિલા અનામત બિલને 84માં બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કર્યું હતું, પરંતુ તે પસાર થઈ શક્યું ન હતું. આ પછી, સરકાર પડી ગઈ અને 12મી લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ 1999, 2002 અને 2003-04માં આ બિલ મંજુર કરાવવાની કોશિશ કરવામાં આવી હતી પણ નિષ્ફળતા મળી હતી.
6 મે 2008 રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું અને લો એન્ડ જસ્ટીસની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી સમિતિએ તેનો અહેવાલ રજૂ કર્યો અને સમાજવાદી પાર્ટી, JDU અને RJDના વિરોધ વચ્ચે સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું.
રાજ્યસભાએ 9 માર્ચ, 2010ના રોજ મહિલા અનામત બિલ પસાર કર્યું હતું, જો કે, લોકસભા ક્યારેય આ બિલ પસાર કરી શકી ન હતી, તેથી બિલને નાબૂદ કરવામાં આવ્યું હતું. જો તે હજુ પણ લોકસભામાં પેન્ડિંગ છે, તો હવે તેને ફરીથી પાસ કરાવવાની પ્રક્રિયા કરવી પડશે.
બિલમાં શું છે?
મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. અનામત બેઠકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ મતવિસ્તારોને અનુક્રમે ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે.
મહિલા અનામતનો વિરોધ શા માટે?
મહિલાઓને અનામત આપવાના માર્ગમાં અનેક અવરોધો છે. બિલનો વિરોધ કરવાનું પહેલું કારણ સમાનતાનો અધિકાર છે. એવો દાવો કરવામાં આવે છે કે જો મહિલા અનામત બિલ પસાર થશે તો તે બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન હશે. સમાનતાનો અધિકાર એવું કહે છે કે લિંગ, ભાષા, પ્રદેશ, સમુદાયના આધારે કોઈ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહિ. એક દલીલ એવી પણ છે કે જો મહિલાઓને અનામત મળશે તો તેઓ મેરિટના આધારે હરીફાઈ નહીં કરે જેના કારણે મહિલાઓના સામાજિક દરજ્જામાં ઘટાડો થઈ શકે છે. અન્ય એક દલીલ પ્રમાણે સ્ત્રીઓ એ કોઈ જ્ઞાતિ સમૂહની જેમ સમજાતીય સમુદાય નથી, તેથી સ્ત્રીઓ માટે જાતિ આધારિત અનામત બાબતે આપવામાં આવતી દલીલો યોગ્ય નથી.
સંસદમાં હાલ મહિલાઓની સંખ્યા કેટલી છે?
હાલમાં લોકસભામાં સાંસદોની સંખ્યા 543 છે. આ સાથે મહિલા સાંસદોની સંખ્યા 82 થઈ ગઈ છે. જયારે રાજ્યસભામાં 250 સાંસદોમાંથી માત્ર 31 મહિલાઓ છે. મોદી કેબિનેટમાં મહિલાઓની ભાગીદારી લગભગ 15 ટકા છે.
બીજી તરફ એસેમ્બલીમાં ડિસેમ્બર 2022માં કાયદા મંત્રી કિરેન રિજિજુએ સંસદમાં મહિલાઓની ભાગીદારી અંગેનો એક ડેટા રજૂ કર્યો હતો. જે મુજબ આંધ્ર પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 1 ટકા છે, જ્યારે 9 રાજ્યોમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી છે. આ રાજ્યોમાં લોકસભાની 200થી વધુ સીટ છે અને બિહાર, યુપી, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી વધુ પરંતુ 15 ટકાથી ઓછી છે.