વનડે ક્રિકેટના વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભાગ નહીં લે. બે વાર વર્લ્ડ કપ વિજેતા બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાથી ચૂકી ગયું હતું. વેસ્ટ ઈન્ડિઝ પહેલા બે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ ત્રીજા વર્લ્ડ કપમાં ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે હારી ગયું હતું. ત્યારથી લઈ વેસ્ટ ઈન્ડિઝ દરેક વનડે વર્લ્ડ કપમાં રમ્યું છે, પરંતુ ક્યારેય ફરી ફાઇનલમાં પહોંચી શક્યું નથી.
ભારત પહેલી વાર વર્લ્ડ કપનું એકલું યજમાન છે. આ પહેલા વર્ષ 1987, 1996 અને 2011માં પણ ભારતમાં વર્લ્ડ કપ યોજાયો હતો, પરંતુ ત્રણેય વખત ભારત સાથે અન્ય દેશો પર હોસ્ટ હતા. 1987માં ભારત અને પાકિસ્તાન, 1996માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને 2011માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ સંયુક્ત હોસ્ટ હતા.
વર્લ્ડ કપ 2019માં બાઉન્ડ્રી કાઉન્ટના નિયમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર રમાઈ હતી, જે પણ તે પણ ટાઈ થતા બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ અનુસાર ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. જે બાદ ICCની આકરી ટીકા થતા નિયમ બદલવામાં આવ્યો હતો. હવે જો મેચ પછી સુપર ઓવરમાં પણ ટાઈ થશે તો પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી સુપર ઓવર સતત ચાલુ રાખવામાં આવશે.
આ વખતે વર્લ્ડ કપ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઘણા સ્થળોના પિચ ક્યુરેટર્સ માટે ‘પ્રોટોકોલ’ તૈયાર કર્યો છે. ICCએ આ વખતે વર્લ્ડ કપમાં પિચો પર વધુ ઘાસ રાખવાનું કહ્યું છે. સાથે જ બાઉન્ડ્રીની લંબાઈ 70 મીટરથી ઓકચી ન હોવી જોઈએ એવું પણ કહ્યું છે. બાઉન્ડ્રી સાઈઝનો આ મુદ્દો આ પહેલા વર્લ્ડ કપમાં ક્યારેય સામે આવ્યો નથી.
ICCએ આ વર્ષે જૂનથી સોફ્ટ સિગ્નલનો નિયમ નાબૂદ કરી દીધો છે. એટલે કે આ સોફ્ટ સિગ્નલ નિયમ આ વખતે વર્લ્ડ કપમાં જોવા નહીં મળે. સોફ્ટ સિગ્નલ એ બોલિંગ છેડે ઊભેલા અમ્પાયરથી થર્ડ અમ્પાયર સુધીનો વિઝ્યુઅલ કમ્યુનિકેશન છે. જેમાં ઓન-ફિલ્ડ અમ્પાયર પોતાનો નિર્ણય આપે છે, પછી તે જ નિર્ણય પર થર્ડ અમ્પાયર રિવ્યુ લે છે.