ફિલ્મ ઉરીમાં દમદાર અભિનયથી લોકોનું દિલ જીતનાર એકટ્રેસ યામી ગૌતમ ફરી એકવાર ફિલ્મ આર્ટીકલ 370 માં ધમાલ મચાવવા તૈયાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આદિત્ય સુહાસ જાંભલેએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર 8 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં યામી ગૌતમે NIA ઓફિસરની ભૂમિકા ભજવી છે.
ફિલ્મની સ્ટોરી
યામી ગૌતમના પતિ આદિત્ય ધરે મોહન ઠાકર સાથે મળીને ‘આર્ટિકલ 370’ની સ્ટોરી લખી છે.આ ફિલ્મ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના ઉદય અને ત્યારબાદ કલમ 370 નાબૂદ કરવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
1980ના દાયકામાં રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અરુણ ગોવિલ પણ આ ફિલ્મનો એક ભાગ છે. ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ટ્રેલરની શરૂઆતમાં જ યામી ગૌતમ કહે છે કે, જ્યાં સુધી વિશેષ દરજ્જો છે ત્યાં સુધી અમે તેમને હાથ પણ લગાવી શકતા નથી અને તે અમને કલમ 370ને હાથ પણ લગાવવા નહીં દે. આ પછી, એક યુવક નારા લગાવતો જોવા મળે છે.
આતંકવાદી બુરહાન વાનીના મોત બાદ તેના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં કાશ્મીરી મુસ્લિમોએ હાજરી આપી હતી. આ ઉપરાંત, એક કાશ્મીરી નેતા પુલવામા હુમલામાં 40 CRPF જવાનોના બલિદાનની મજાક ઉડાવતા બતાવવામાં આવ્યા છે.
ટ્રેલરમાં PM મોદીનું પાત્ર પણ બતાવવામાં આવ્યુ છે. જે કહે છેકે, “અમે કાશ્મીરને આ હાલતમાં છોડીશું નહીં.” આ ફિલ્મમાં ગોળીબાર, બોમ્બ બ્લાસ્ટ અને પથ્થરમારો દેખાઇ રહ્યો છે.જે કાશ્મીરમાં સામાન્ય હતા. ત્યારે કહેવાય છે કે, કાશ્મીરમાં હજારો ભારત વિરોધી લોકો છે.
ફિલ્મના ટ્રેલરમાં અમિત શાહનું પાત્ર પણ બતાવવામાં આવ્યું છે. અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતનો જ એક ભાગ છે, અમે તેના માટે અમારો જીવ આપીશું. આ સીન પણ એ જ ઉત્સાહ સાથે શૂટ કરવામાં આવ્યો છે.
ફિલ્મના સંગીત પર નજર નાંખીએ તો તો શાશ્વત સચદેવે ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જેમણે પોતાના ગીતો દ્વારા શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, એકટ્રેસ યામી ગૌતમ સિવાય, એકટ્રેસ પ્રિયામળી અને અરુણ ગોવિલ પણ મહત્વના કિરદારમાં જોવા મળશે. મહત્વનું છેકે, આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.