મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે યસ બેંકના સ્થાપક રાણા કપૂરને જામીન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું છે કે આ કેસે સમગ્ર બેકિંગ સિસ્ટમને હચમચાવી નાખી હતી.
સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ને પણ પ્રશ્ર કર્યો હતો કે ૩૬૪૨ કરોડ રૂપિયાના યસ બેંક કૌભાંડની તપાસ કેમ આટલી લાંબી ચાલી?
ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ ટિપ્પણી કરી હતી કે આ કેસેે સમગ્ર ભારતીય બેકિંગ સિસ્ટમને હચમચાવી નાખી હતી. યસ બેંક મુશ્કેલીમાં મુકાઇ હતી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને રોકાણકારોના રક્ષણ માટે આગળ આવવું પડયું હતું.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે મોટા પ્રમાણમાં લોકો સંકળાયેલા હોય ત્યારે આવા કેસોને અમે પ્રાથમિકતા આપીએ છીએ. જો ઇડીની તપાસ વધારે લાંબી ચાલે તો કંઇંક ખોટું થયાની શંકા જાય છે.
યસ બેંક કૌભાંડમાં જામીન મેળવવા માટે રાણા કપૂરની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપતા એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં શેલ કંપનીઓ છે. તપાસમાં એટલા માટે વધુ સમય લાગી રહ્યો છે કે કારણકે અમે વિદેશમાંથી માહિતી એકત્ર કરી રહ્યાં છે.
રાણા કપૂર વતી હાજર રહેલા વરિષ્ઠ વકી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બેંક મુશ્કેલીમાં મુકાઇ હતી તેમાં કોઇ શંકા નથી પણ એનો અર્થ એ નથી કે વધારે સમય માટે જેલમાં રાખવામાં આવે.
સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રાણા કપૂર ૮ માર્ચ, ૨૦૨૦થી જેલમાં બંધ છે. તેમણે લઘુતમ સજાથી વધુ સજા કાપી લીધી છે.