પાટણના સાંથલપુરમાંથી 22 વર્ષ પહેલા અતિ આધુનિક હથિયારો અને વિસ્ફેટકોના વિશાળ જથ્થા પ્રકરણમાં પકડાયેલા અખ્તર હુસૈન બસીર અહેમદને સીબીઆઈની કોર્ટે ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, અખ્તર હુસૈન બસીર અહેમદ કુખ્યાત આફતાબ અંસારીનો સાગરિત હતો. વર્ષ 2018માં હથિયારોના કેસમાં પણ ગુનેગાર ઠરાવીને સજા ફટકારી હતી. કુખ્યાત આફતાબ અંસારીને કોલકતામાં અમેરિકન સેન્ટર ઉપર 22 જાન્યુઆરી, 2002ના રોજ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર હુમલાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને કોલકાતાની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
પાટણના સાંથલપુરમાં ગતતા. 29-10-2001ના રોજ પસાર થતી ટ્રકની તપાસ કરતા તેમાંથી 14 કિલો આરડીએક્સ, ચાર કિલો પ્લાસ્ટિક વિસ્ફેટક, બે એકે-47 સહિત , રાઈફ્લ્સ, બે પિસ્તોલ, બે રાઈફ્લ, એક રેડિયો સેટ, લોડ કરેલા સામયિકો, રિમોટ નિયંત્રણ ઉપકરણો, ડિટોનેટર અને ટાઈમર મળી આવ્યા હતા. આ કેસમાં સીબીઆઈએ ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં કુખ્યાત આફતાબ અંસારી સહિત અન્યોના નામો ખુલ્યા હતા. સીબીઆઈ આફતાબ અંસારીને વર્ષ 2018માં ગુનેગાર ઠરાવીને સજા ફટકારી હતી. દરમ્યાનમાં વર્ષ 2012માં અખ્તર હુસૈન બસીર અહેમદએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતુ. જે કેસ ચાલતા સીબીઆઈ કોર્ટે આરોપી અખ્તર હુસૈનને ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.