સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા ભારતીયોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી છે. આ આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં બે લાખથી વધુ ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે લગભગ એક લાખ લોકો એવા હતા જેમણે તો ગત વર્ષે જ આ પ્રયાસ કર્યો હતો.
જાણો કયા વર્ષમાં કેટલાં લોકોએ કરી ઘૂસણખોરી
સંસદમાં પૂછાયેલા એક સવાલના જાવબમાં વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કહ્યું કે અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી તરફથી શેર કરાયેલી માહિતી અનુસાર 2018-19 માં 8027, 2019-20 માં 1227, 2020-21 માં 30,662, 2021-22 માં આ સંખ્યા 63,927 હતી. જોકે 2022-23 માં 96,917 કેસ સામે આવ્યા હતા. અમેરિકી અધિકારીઓ તરફથી શેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગેરકાયદે ભારતીય પ્રવાસીઓની કુલ સંખ્યા 200,760 છે.
રોજગારના ફેક દાવાઓ પર વિશ્વાસ ન કરશો
કાર્યવાહી દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશમાં રોજગારની શોધખોળ કરનારા ભારતીયોએ સાવચેત રહેવાની જરૂર છે અને નોકરીના ફેક પ્રસ્તાવના જાળમાં ફસાવું ન જોઈએ. મંત્રાલયે રોજગાર શોધી રહેલા લોકોને રજિસ્ટર્ડ ભરતી એજન્ટની સુરક્ષિત અને કાનૂની સેવાઓનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો હતો.