નક્કી યોજના મુજબ બધું આગળ વધતું રહેશે તો વર્ષ 2029ની લોકસભાની સામાન્ય ચૂંટણી વધેલી બેઠકોની સંખ્યા સાથે યોજાઇ શકે છે. વર્ષ 2029માં લોકસભાની કુલ 850 બેઠકો માટે ચૂંટણી યોજાઇ શકે છે. જોકે નવા સંસદભવનમાં લોકસભામાં બેઠક સંખ્યા 888 કરીને પહેલેથી જ આ દિશાના સંકેત અપાઇ ચૂક્યા છે. યોજના મુજબ લોકસભા બેઠકો વધારવાની કવાયત વર્ષ 2026થી જ શરૂ થઈ જશે. અર્થાત ફેરસીમાંકન મુદ્દે મનાઇ હુકમ અમલી છે અને તે પ્રતિબંધની મુદત પૂરી થતાં જ બેઠક મતવિસ્તાર ફેરસીમાંકનની કામગીરી શરૂ થઇ જશે. તે પછીના ત્રણ વર્ષમાં અર્થાત વર્ષ 2029માં ફેરસીમાંકનની આ કામગીરી પૂરી થઇ જવાની સંભાવના છે. I
આ ચૂંટણીમાં જ મહિલાઓ માટે કરવામાં આવેલી અનામત બેઠકોની જોગવાઇનો અમલ પણ શરૂ થશે. આ સમગ્ર યોજના એટલા માટે મહત્ત્વની છે કે તેના અમલ માટે હવે પછીની વસ્તી ગણતરી સુધી પ્રતીક્ષા નહીં કરવી પડે. વર્ષ 2024-25ની વસતીને આધાર માનીને જ ફેરસીમાંકન કાકગીરી સંપન્ન કરવામાં આવશે. વર્ષ 2031માં વસતી ગણતરી થાય ત્યાં સુધી ફેરસીમાંકન માટે પ્રતીક્ષા કરવામાં નહીં આવે ફેરસીમાંકન પર લાગેલો પ્રતિબંધ 2026 સુધીમાં દૂર થતાં જ ફેરસીમાંકનની કામગીરી શરૂ થઇ જશે અને વર્ષ 2029 પહેલાં કામગીરી પૂરી પણ થઇ જશે.
હાલમાં લોકસભાની કુલ 543 બેઠક
વસતી ગણતરી અને ફેરસીમાંકન જેવી કામગીરી જે ટેકનોલોજીની મદદથી હાથ ધરાવાની છે, તે જોતાં આ કામગીરી ત્રણ વર્ષની મુદતમાં પૂરી થઇ જવાની સંભાવના છે. ઉચ્ચ કક્ષાના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2026માં હાથ ધરાનારી ફેરસીમાંકનની કામગીરીની કાર્યયોજના તૈયાર થઇ ચૂકી છે. ફેરસીમાંકન માટે 2031ની વસતી ગણતરી સુધી રાહ જોવામાં નહીં આવે. હાલમાં લોકસભાની 543 બેઠકો છે. છેલ્લે 1971ની વસતી ગણતરી આધારે 1977માં લોકસભાની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયની ફોર્મ્યુલા મુજબ પ્રતિ 10 લાખની વસતીએ લોકસભાની એક બેઠક નિર્ધારીત થઇ હતી. જોકે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોમાં આ માપદંડમાં છૂટછાટ આપવામાં આવી છે.
દ. ભારતનાં રાજ્યોનું ધ્યાન રખાશે
ફેરસીમાંકનના વર્તમાન માપદંડોમાં વસતી સંખ્યાનું મોટું મહત્ત્વ છે. આ માપદંડો મુજબ ફેરસીમાંકન થાય તો ઉત્તરને મુકાબલે દક્ષિણ ભારતની ઓછી બેઠકો વધી શકે તેમ છે. કેમ કે વીતેલા વર્ષોમાં દક્ષિણ ભારતને મુકાબલે દક્ષિણ ભારતમાં વસતીમાં ઓછો વધારો થયો છે પરંતુ કેન્દ્ર સરકારના વર્તુળોના જણાવ્યા મુજબ ફેરસીમાંકન વખતે દક્ષિણ ભારતના હિતોની ખાસ કાળજી લેવામાં આવશે. વર્તમાન માપદંડોની સાથોસાથ કોઇ એવી ફોર્મ્યુલા નક્કી થશે કે જેથી દક્ષિણ ભારતના હિતોને નુકસાન ના પહોંચે. છેલ્લે વર્ષ 1977માં ફેરસીમાંકન 1971ની વસતી ગણતરી આધારે થયું હતું