વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આખી રાત વરસાદ ચાલુ રહેતાં સવાર સુધીમાં સરેરાશ વરસાદનો આંકડો 15.63 ઈંચ સુધી પહોંચી ગયો હતો.
દક્ષિણ ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કપરાડા સહિત વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. નીચાણવાળા કોઝવે પાણીમાં ગરકાવ થતાં અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં જિલ્લામાં 150થી વધુ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

વાપીના રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યાં વરસાદી પાણી
વાપી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જગનપાર્ક વિસ્તારમાં આવેલા અનેક રો-હાઉસમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી અને અન્ય માલસામાનને નુકસાન પહોંચ્યું હતું.
જીઆઈડીસીની સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, હરિયા હોસ્પિટલ રોડ, કસ્ટમ રોડ અને સ્વામિનારાયણ ગુરુકુલ રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે ગરનાળામાં પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ્પ
વાપી શહેરના બંને મહત્વપૂર્ણ રેલવે ગરનાળામાં મોટી માત્રામાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. વૈકલ્પિક માર્ગો પર વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ચોમાસા પહેલાં યોગ્ય પ્રી-મોન્સૂન કામગીરી અને ગટરની સફાઈ કરવામાં આવી ન હોવાથી શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ગટર અને વરસાદી પાણીના નિકાલની યોજનાઓ ભારે વરસાદ સામે નિષ્ફળ સાબિત થઈ હોવાનો પણ નાગરિકોએ દાવો કર્યો છે.
મધુબન ડેમમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક
કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે. બુધવારે સવારે 7 વાગ્યે ડેમમાં 1,02,166 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. વધતી આવકને કારણે ડેમની જળસપાટી 74.35 મીટરે પહોંચી હતી.
પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મધુબન ડેમના કુલ 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 7 દરવાજા 3.10 મીટર અને એક દરવાજો 1.40 મીટર સુધી ખોલાયો છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 99,808 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
દમણગંગા નદી બંને કાંઠે વહેતી થઈ
મધુબન ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતાં દમણગંગા નદી બંને કાંઠે વહેતી થઈ છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રસ્તાઓ બંધ થવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ડેમમાંથી પાણી છોડાતાં રાહત તથા બચાવ ટીમોને સતર્ક રાખવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel