નડિયાદ મહાનગર-પાલિકા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ કરાયુ હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા ત્રણ વેપારીઓ પાસેથી રૂા. ૩૫,૦૦૦ નો વહીવટી ચાર્જ અને ત્રણેય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ મનપાની ટીમ દ્વારા ગંજ બજારમાં આવેલ રોયલ એન્ટરપ્રાઈઝ અને સિંધી માર્કેટની નેહા ટ્રેડર્સ તેમજ ક્રિષ્ના ટ્રેડર્સમાં દરોડો પાડીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે લીધો હતો. ટીમ દ્વારા ત્રણેય દુકાનદારો પાસેથી ૩૫,૦૦૦ નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. અગાઉ તત્કાલીન નગરપાલિકા દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા દુકાનદારોને વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં બેરોકટોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેચાણ અને ઉપયોગ થતો હોવાનું જોવા મળે છે.