વડતાલનો વિકાસ તમારા સહુની કલ્પના બહારનો થશે : ધારાસભ્ય પંકજ દેસાઈ
સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વિખ્યાત યાત્રાધામ વડતાલ ખાતે આજે ૫.૮૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ આજે લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામી પુ શુકદેવ સ્વામી – નાર , પુ ગોવિંદ સ્વામી – મેતપુરવાળા , પુ શ્યામ સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં મંગલાચરણ સાથે આ કાર્ય સંપન્ન થયું હતું.
ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતુ કે , આ સંતો અને દેવના અમારા પર આશીર્વાદ છે. આ વડતાલનો વિકાસ તમારા સહુની કલ્પના બહારનો થશે. ડો સંત સ્વામીએ રામ મંદિર નિર્માણ ને યાદ કરીને સરકારના કાર્યને મંચ પરથી બિરદાવ્યાં હતાં અને વડતાલ સંસ્થા દ્વારા ચાલતા સેવા કાર્યોની વિગત આપી હતી.
વિકાસ કાર્યોની વિગતો જોઇએ તો શ્રીહરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમાર શાળાનું ભૂમિપૂજન થયું હતું. સંપૂર્ણ લોકફાળાથી વડતાલ ટેમ્પલ કમિટિ બોર્ડ શ્રી સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા અંદાજીત રકમ રૂ. ૫ કરોડના અનુદાનથી આ શાળાનું નિર્માણકાર્ય થશે. આ ઉપરાંત અક્ષર નિવાસી સ્વ. મંગળાબેન શશીકાન્તભાઇ પટેલ જન આરોગ્યકેન્દ્ર તથા કિશોરી કલ્યાણ કેન્દ્રનું લોકાર્પણ ઉપરાંત શશીકાન્તભાઇ રામભાઇ પટેલ (રામભાઇ ગોરધનભાઇ પટેલ, વડતાલ) પરિવાર તરફથી રૂ.૫૧ લાખના ખર્ચે નિર્મિત કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વડતાલ સેવાસહકારી મડંળી લી.ના. રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત થનારા નવા મકાનનું ભૂમિ પૂજન કરાયું હતું. આ રકમ મંડળીના સ્વભંડોળમાંથી વાપરવામાં આવશે. આ પ્રકારના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજનના પ્રસંગે ગામના સરપંચ અમિતભાઇ પરમાર,જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઇ, ડે.સરપંચ, ડો.વિપુલ અમીન, પંચાયતના સભ્યો, સંતો, મહંતો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.