22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિર ઉદઘાટન સમારંભને મુદ્દે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત કેન્દ્રની એજન્સીઓએ પણ જિલ્લામાં કેમ્પ ઊભા કરી દીધા છે. 15 ટીમ વિવિધ વિસ્તારની તપાસ કરીને ઇનપુટ મેળવી રહી છે. આ ટીમ્સ મોબાઇલ ટ્રેકિંગ સિસ્ટમ સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ છે. અયોધ્યામાં થનારી તમામ સંભવિત ગતિવિધિ પર તેમની નજર રહેશે. આત્મઘાતી હુમલાને રોકવા મંદિર આસપાસ ક્રેશ સ્ટેન્ડ બોલાડ્રસ લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા આસપાસના વિસ્તારો પર નજર રાખશે.
શ્રીરામમંદિરની સુરક્ષાની જવાબદારી કમાન્ડો સંભાળશે
રામનગરીમાં ઉદઘાટનના દિવસે અંદાજે 30,000 જવાનો તૈનાત થશે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાને રાખીને જિલ્લામાં આઇબી, એલઆઇયૂ એટીએસ, એસટીએફ, મિલિટરી ઇન્ટેલિજન્સ સહિત સાત સુરક્ષા એજન્સી દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે કેમ્પ ઊભા થઈ ચૂક્યા છે.
વિમાની મથકે વિશેષ સુરક્ષા
મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સુરક્ષા માટે ઉત્તરપ્રદેશના વિશેષ સુરક્ષા દળોની છઠ્ઠી વાહિની તૈનાત કરવામાં આવી છે. આ વાહિનીના જવાનો આતંકવાદી ખતરાનો સામનો કરવા સક્ષમ છે. તે વાહિનીમાં 3 ઇન્સ્પેક્ટર, 55 સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 294 જવાનો તૈનાત થશે. વોચ ટાવર સહિતના મહત્ત્વના સ્થાને તેઓ તૈનાત રહેશે. પોલીસ મહાનિદેશક એલ.વી એન્ટની વેદ કુમાર આ વાહિની સાથે ચર્ચા કરી ચૂક્યા છે. વાહિનીને ત્રણ મહિનાની વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.
અયોધ્યામાં તોફાની તત્ત્વો ઘૂસી નહીં શકે
સુરક્ષા એજન્સીઓ સુરક્ષાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી ચૂકી છે. સદાય પોલીસ રડાર પર રહેતા લોકોને અયોધ્યામાં ઘૂસવા નહીં દેવાય. પોલીસે તેવા લોકોનો ડેટાબેઝ તૈયાર કરી લીધો છે તેમની હિલચાલ પર પણ નજર રખાઈ રહી છે. રામમંદિરની સુરક્ષા પણ વધારવામાં આવી છે. સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અગ્રણી ઉપસ્થિત રહેવાના છે. સમારંભની સુરક્ષા પાછળ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટાલિજન્સનો પણ ઉપયોગ થઇ રહ્યો છે.
બે દિવસ ભારે વાહનો પસાર નહીં થાય
21 અને 22 જાન્યુઆરીના રોજ ભારે વાહનો અયોધ્યામાં નહીં પ્રવેશે. નાના વાહનો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ સ્થાને કેમેરા લગાવવામાં આવ્યા છે. રામમંદિરની સુરક્ષા માટે નવો પ્લાન અમલી બની ચૂક્યો છે મંજૂરી વિના ડ્રોન નહીં ઉડાવી શકાય.