રશિયા-યુક્રેન યુદ્ધને લઇને વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. પણ ભારતની તટસ્થ વિદેશનીતિ ફરી ચર્ચામાં છે. બીજી તરફ પ્રતિબંધોની પરવા કર્યા વગર ભારત દેશહિતને કેન્દ્રમાં રાખીને રશિયા પાસેથી ન માત્ર જંગી માત્રામાં સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે બલકે તેને રિફાઇન્ડ કરી અનેક દેશોને વેચી વિદેશી મુદ્રા ભંડોળમાં વધારો કરી રહ્યું છે. આ તમામ ગતિવિધિઓનું કેન્દ્ર કચ્છનો અખાત બન્યો છે ! અમેરિકના પ્રતિષ્ડિત અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં આ અંગે કચ્છના અખાતમાં રશિયન ક્રૂડ ઓઇલના જહાજની વધેલી સંખ્યા પર એક અહેવાલ પ્રકાશિત થયો છે. જેમાં સેટેલાઇટ ડેટાના આધારે કચ્છના અખાતમાં રશિયન ઓઇલ ટેન્કરોની સંખ્યા બતાવવામાં આવી છે.
કચ્છનો અખાત વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓનું ઘર
અખબારે ‘યુક્રેન યુદ્ધમાં ભારત તેની તટસ્થતાથી કેવી રીતે નફો કરે છે’ના મથાળા હેઠળ સમાચાર પ્રકાશિત કર્યા છે. જેમાં જણાવાયું છે કે કચ્છનો અખાત વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓનું ઘર છે. પરંતુ યુદ્ધ પહેલાં રશિયા જે દુનિયામાં સૌથી મોટા તેલ ઉત્પાદકો પૈકીનું એક છે તે ભાગ્યે જ અહીં ક્રૂડ પેટ્રોલિયમ મોકલતું હતું. પણ યુક્રેન પર હુમલા બાદ કચ્છના અખાતમાં રશિયાનાં ક્રૂડ ભરેલાં જહાજો હવે સામાન્ય થઇ ગયાં છે. સેટેલાઇટ ડેટા એનાલિટિક્સ કંપની સિનમેક્સના ડેટાના આધારે અખબારના વિશ્લેષણમાં જણાવાયું હતું કે હવે દર મહિને રશિયાથી ડઝનેક ટેન્કર કચ્છના અખાતમાં બંદરો પર આવે છે.
ભારત હવે દરરોજ લગભગ 20 લાખ બેરલ ક્રૂડ ખરીદે
નોંધનીય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને અન્ય દેશોએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદયા છે. તેથી રશિયા સસ્તા દરે ક્રૂડ વેચી રહ્યું છે. તેથી રશિયન સસ્તા તેલને નવાં બજારો મળ્યાં છે – જેમાં ભારતનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના જણાવ્યા અનુસાર ભારત હવે દરરોજ લગભગ 20 લાખ બેરલ ક્રૂડ ખરીદે છે, જે તેની આયાતના આશરે 45 ટકા છે. આ સસ્તા તેલથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થઇ રહી છે. સાથે ક્રૂડ રિફાઇનિંગ અને ઉત્પાદનોને અન્ય દેશોમાં નિકાસ કરવા માટે ભારતમાં કચ્છનો અખાત એક નવું હબ બની ગયું છે. અહીંથી અનેક દેશોને તેલ પહોંચાડાઇ રહ્યું છે. તેમાં યુરોપિયન યુનિયનનો પણ સમાવેશ થાય છે, જેણે રશિયા પાસેથી સીધી તેલની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે !
જામનગર રિફાઇનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનરી
રશિયાના આક્રમણ પહેલાં ભારતનું આયાત કરાયેલું તેલ મોટા ભાગે મધ્ય પૂર્વમાંથી આવતું હતું પણ યુદ્ધ શરૂ થયા પછી રશિયન ક્રૂડનું જાણે પૂર આવવા લાગ્યું. રશિયાથી ભારતમાં જતા ક્રૂડનો મોટો ભાગ ગુજરાત રાજ્યના કચ્છ અને જામનગર નજીકનાં બંદરો પર આવે છે અને તેને નજીકની રિફાઈનરીઓ સુધી પહોંચાડવામાં આવે છે. અહીં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની જામનગર રિફાઇનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે, જેની ક્ષમતા દરરોજ 1.2 મિલિયન બેરલ કરતાં વધુ રિફાઈન્ડ કરવાની છે. ભારતની બીજી સૌથી મોટી રિફાઈનરી નાયારા એનર્જી બાજુમાં જ વાડીનારમાં છે. વાડીનાર કંડલા પોર્ટ હસ્તક છે. નાયરા રશિયાની રાજ્ય તેલ કંપની રોસનેફ્ટની અડધી માલિકીની છે. તેથી જેમ જેમ આ પ્રદેશમાં વેપાર વધતો જાય છે તેમ તેમ, રશિયન અને ભારતની કંપનીઓ લાભો મેળવી રહી છે.
મુન્દ્રામાં 21, વાડીનારમાં 55 અને જામનગરમાં 77 મિલિયન બેરલ ક્રૂડ ઉતર્યું
આ વર્ષે મે મહિના સુધી કચ્છના અખાતમાં રશિયન ક્રૂડના શિપમેન્ટની માહિતી પણ અહેવાલમાં અપાઇ છે. જેમાં મુન્દ્રામાં 21 મિલિયન બેરલ, વાડીનારમાં 55 મિલિયન બેરલ અને જામનગરમાં 77 મિલિયન બેરલનો સમાવેશ થાય છે. આ રિફાઇનરીઓ પર જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાંથી અમુકનો સ્થાનિક રીતે ઉપયોગ થાય છે. ત્યારબાદ ભારત આ તમામ ઉત્પાદનોને બજાર ભાવે વેચે છે, તેની કંપનીઓ માટે આવક મેળવે છે અને દેશના વિદેશી ચલણના ભંડારને ડોલર અને યુરો વડે વધારી રહ્યું છે.
જી-20 બેઠકમાં ભારત પોતાના હિતને વળગી રહેવા માટે મક્કમ
અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે સપ્ટેમ્બરમાં ગ્રૂપ ઓફ 20 દેશોની સમિટ ભારતની યજમાની યોજાશે. આ બેઠકમાં યુરોપિયન યુનિયન, અમેરિકા, ચીન, રશિયા અને અન્ય સભ્યોની ચિંતાઓને સંતુલિત કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. પરંતુ મોદી સરકારની પ્રથમ પ્રાથમિકતા ભારતને વધુ આત્મનિર્ભર બનાવવાની દેખાઈ રહી છે. તેનો અર્થ એ છે કે તેના ભાગીદારોની ફરિયાદોને ધ્યાનમાં લીધા વિના તેના પોતાના હિતોને અનુસરવું.
ભારત અને ચીન મોટા ખરીદદાર
રશિયા વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઉત્પાદક દેશ છે. તેમાંથી કેટલાક ક્રૂડની નિકાસ પાઈપલાઈન દ્વારા કરવામાં આવે છે, જેનું ગંતવ્ય ભારે રોકાણ વિના બદલી શકાતું નથી. પરંતુ ટેન્કરો કે જેઓ મહાસાગરોમાં તેલ લઈ જાય છે તે વધુ સરળતાથી ચીન અને ભારત તરફ ફરી શકે છે, જેમણે મે મહિનામાં લગભગ 80 ટકા દરિયાઈ રશિયન ક્રૂડ ઓઈલની નિકાસ મળીને ખરીદી હતી. ચીન અને ભારત હવે એટલું બધું રશિયન તેલ ખરીદી રહ્યા છે કે મોસ્કો યુક્રેન પર આક્રમણ કરતા પહેલા કરતાં વધુ ક્રૂડ વેચી રહ્યું છે.