વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 27 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 28 થી 30 જુલાઈ સુધી ચાલશે.
રાજકોટ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ
આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાત લેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે.
પીએમ મોદીની સાથે આટલી હસતીઓ પણ રહેશે હાજર
આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહેશે. PM મોદીની મુલાકાત દરમિયાન ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) ને નવી ગતિ મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને વિકાસની અનેક ભેટો આપશે. જેમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની ગાંધીનગર મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.