પાટીદાર સમાજના 600થી વધુ યુવાને સમાજના 60થી 108 વર્ષની ઉંમર સુધીના 4500થી વધુ માતા-પિતાને શંખલપુર, દ્વારકા, સોમનાથ અને ખોડલધામની 1300 કિલોમીટરની તીર્થયાત્રા કરાવી સોશિયલ એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે 21મી સદીના આ આધુનિક શ્રવણોએ સિનિયર સિટીઝનને કરાવેલી આ તીર્થયાત્રાને ઇન્ટરનેશનલ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ એમ એકસાથે ત્રણ-ત્રણ એવૉર્ડ દ્વારકા ખાતે યોજાયેલા વડીલ વંદના સમારોહ પ્રસંગે એનાયત કરાયા, ત્યારે ઉપસ્થિત હજારો વડીલોનાં બે હાથ યુવાનોને આશીર્વાદ આપવા ઊંચા થયા કે મારો કાળિયો ઠાકર દરેક માતા-પિતાને આવાં શ્રવણ જેવાં સંતાનો આપે.
વિશ્વની સૌથી મોટી સામૂહિક તીર્થયાત્રામાં 4500થી વધુ વડીલ સામેલ થયા
42 લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં નિર્વિઘ્ને સંપન્ન થયેલી વિશ્વની સૌથી મોટી સામૂહિક તીર્થયાત્રામાં 4500થી વધુ વડીલ સામેલ થયા હતા. શુક્રવારે મા બહુચરના ધામ શંખલપુરથી પ્રસ્થાન પામેલી આ તીર્થયાત્રા દ્વારકા, સોમનાથ થઈ રવિવારે ખોડલધામ કાગવડ ખાતે માઈ મંદિરે ધ્વજારોહણ સાથે સંપન્ન થઈ હતી. આ તીર્થયાત્રા અનેક વિશેષતાઓથી ભરેલી રહી. 4500 વડીલોને 1300 કિલોમીટરની તીર્થયાત્રા કરાવવા 115 સ્લીપિંગ લક્ઝરી બસો અને 250થી વધુ ગાડી સામેલ થઈ. પ્રત્યેક યાત્રીનો અકસ્માતનો વીમો લેવાયો અને 15 સ્પેશિયલ તબીબોની ટીમ આઇસીયુ ઓનવ્હિલ સાથે તૈનાત રહ્યા તો તીર્થયાત્રા પાછળ અંદાજે 1.75 રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનું ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું.
તીર્થયાત્રા યુવાનો અને વૃદ્ધોને એકબીજાની નજીક લાવશે
21મી સદીમાં કુટુંબ વ્યવસ્થા તૂટતી જાય છે. નોકરી-ધંધા માટે યુવાનો ઘરથી દૂર રહેવા જતાં પરિવાર સાથે સીધો સંપર્ક ઘટતાં ધીમે ધીમે વડીલો અને યુવાનો વચ્ચે જનરેશન ગેપ વધી રહી છે. પરિણામે દેશમાં અને સમગ્ર રાજ્યમાં વૃદ્ધાશ્રમો વધતાં જાય છે. એવા સમયે યુવાનોએ યોજેલી 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોની આ તીર્થયાત્રા હાલના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે બસ એ જ અમારો હેતુ છે.’ હાર્દિક પટેલ અડિયા, સંયોજક, 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન, પાટણ
વૃદ્ધોની સેવા કરવાનો લાભ લેવા અમેરિકાથી આવ્યો
એકસાથે 4500 વૃદ્ધ માતા પિતાને સમાજનાં યુવાનો તીર્થયાત્રા કરાવી રહ્યા છે, આ સમાચાર જાણ્યા પછી મને પણ આ માતા-પિતાની સેવા કરવાની ઈચ્છા જાગી એટલે અમેરિકાથી આ તીર્થયાત્રામાં જોડાઈને સેવાનો મોકો લીધો.’ > ચંદ્રકાંત પટેલ, સંડેર, હાલ અમેરિકા
ભગવાન દરેક માબાપને આવા દીકરા આપે
મેં પહેલી વાર દ્વારકાના કાળિયા ઠાકર, સોમનાથ મહાદેવ અને કુળદેવી ખોડલ માતાનાં દર્શન કર્યા. આ નાનાં નાનાં છોકરાના પ્રતાપે દર્શન કરી શકી. મારો ભગવાન દરેક મા-બાપને આવા દીકરા આપે.’108 વર્ષીય નાનીબેન વેણીરામ પટેલ, અઘાર.