દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોમવારે સાંજથી હવામાનમાં અચાનક પલટો આવતા ઠંડી એકાએક વધવા લાગી છે. આ સાથે જ દેશમાં ઠંડીની શરુઆત થવા જઈ રહી છે. વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. વરસાદ, વાવાઝોડા સાથે ઠંડા વાયરાથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી પણ લોકોને રાહત મળી છે. હવે સવાર-સાંજ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક જગ્યાઓ પર વરસાદ સતત ચાલુ રહી શકે છે.
દિલ્હી સહિત અનેક રાજ્યમાં શિયાળો શરુ
દિલ્હી બાદ અન્ય રાજ્યની વાત કરીએ તો તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ હળવો અને મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. જો કે આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ જોવા મળ્યો છે. પશ્ચિમ હિમાલયના કેટલાક વિસ્તારોમાં હળવો હિમવર્ષા જોવા મળી છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યના શું છે ખબર ?
જ્યારે મધ્ય ભારત અને ઉત્તરીય રાજ્યોમાં, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ અને કરા પડ્યા છે આ સાથે ગુજરાતના હવામાનની વાત કરીએ તો તાપમાન હથાવત રહેશે તેમજ સાબરકાંઠા અને બનાસકાઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેલૈયાઓ માટે આ સારા સમાચાર છે ગુજરાતમાં.
આગામી 24 કલાકમાં હવામાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દિલ્હી NCR સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણાના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને ઝરમર ઝરમર જોવા મળી શકે છે. અમુક જગ્યાએ એક-બે વાર કરા પડવાની શક્યતા છે.
અનેક રાજ્યમાં ભારે વરસાદ
જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તર રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ગુરુવાર અને શુક્રવારે દિલ્હી NCRમાં સ્વચ્છ હવામાન રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. તાપમાન 16 થી 29 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.