કપડવંજ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે ચાલતા રૂમઝૂમ નવરાત્રી મહોત્સવમાં મધ્યરાત્રીએ 2:00 વાગે 17 વર્ષીય સગીરનું ગરબે રમતા હદયરોગના હુમલો આવવાથી અવસાન થયું હતું.
કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ રૂમઝૂમ નવરાત્રી મહોત્સવમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા 17 વર્ષીય વીર રીપલકુમાર શાહ ગરબા રમતાં રમતાં અચાનક ઢળી પડ્યો હતો. જેને 108 મારફતે કઠલાલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું. જાણવા મળ્યા મુજબ વીર શાહ પોતાના મિત્રો સાથે કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગરબાની મોજ માંણી રહ્યો હતો. તે સમયે તે અચાનક ચક્કર આવવાના કારણે ત્યાં જ ઢળી પડ્યો હતો. ગરબાના આયોજકોએ તાત્કાલિક 108 બોલાવી હતી. પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. આમ નવરાત્રી મહોત્સવમાં અચાનક આવી કરુણ ઘટના બનવાથી સમગ્ર કપડવંજ શહેરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અને મહાત્મા ગાંધી ઉદ્યાન ખાતે “થનગનાટ” નવરાત્રી મહોત્સવના આયોજકો સહિત શેરી ગરબા આજે બંધ રાખવાની જાહેરાત કરી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કપડવંજ શહેરના સામાજિક કાર્યકર અને હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ રીપલ ગિરીશભાઈ શાહના પુત્રનું અકાળે અવસાન થતા એપીએમસી ચેરમેન નિલેશ પટેલ,જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ગોપાલ શાહ, હિંદુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ રાજન ત્રિપાઠી, લાયન્સ ક્લબ પ્રમુખ નિમેશ જામ સહિત નગરપાલિકાના સદસ્યો, ભાજપના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો તથા જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.