Sri.Saraswati Shishu Mandir Reel
તારીખ 27 /10 /2023ના રોજ અમદાવાદના ક્રિષ્ના ફાર્મ ખાતે પૂર્વ છાત્ર પરિષદ શિશુ મંદિર હારીજ દ્વારા “ભારતની પડઘમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુજરાત પ્રદેશ વિદ્યાભારતીના અધ્યક્ષ નીતિનભાઈ પેથાણી અને ગુજરાત પ્રદેશ વિદ્યાભારતીના સંગઠન મંત્રી મહેશભાઈ પતંગે વિશેષ હાજર રહ્યા હતાં.
ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈએ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, હું આ કાર્યક્રમમાં કોઈ અતિથિ તરીકે આવ્યો નથી થયો, પરંતુ હું પરિવારના એક સભ્ય તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત થયો છું. તેમજ વિદ્યાભારતી શિશુ મંદિરના પૂર્વ છાત્રો દ્વારા ખૂબ જ સરસ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને વિદ્યા ભારતી શિશુમંદિરનું લક્ષ્ય હંમેશા રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ કરવાનું છે. જેના દ્વારા એવી યુવા પેઢીનું નિર્માણ થઈ શકે જે હિંદુત્વનિષ્ઠ અને રાષ્ટ્ર ભક્તિથી અભિપ્રેત હોય. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી પૂર્ણ વિકસિત હોય અને જીવનમાં આવતા પડકારોનો સામનો સફળતાપૂર્વક કરી શકે.
વધુમાં ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી અધ્યક્ષ નીતિનભાઈ પેથાણી દ્વારા જણાવવામાં આવ્યું કે વિદ્યાભારતી શિશુમંદિર દ્વારા વિદ્યાર્થીઓનો વ્યક્તિગત વિકાસ થાય અને સમાજ માટે કંઈક નવું કરવાની ભાવના ઉજાગર થાય તેવા કાર્યો કરવામાં આવે છે. વિદ્યાભારતી દર વર્ષે અસંખ્ય એવા કાર્યક્રમો કરતું હોય છે જેથી સમાજના છેવાડાના લોકો સુધી સહેલાઈથી શિક્ષણ પહોંચી શકે. તેમજ વિદ્યાભારતી તરફથી ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા માટેના પણ કાર્યક્રમો કરવામાં આવે છે.
વિદ્યાભારતી સંચાલિત શિશુમંદિર હારીજના પૂર્વ વિધાર્થીઓ એ સંસ્થા માટેના પોતાના કર્તવ્ય અને સંસ્થાનું પોતાના ઘડતરમાં મોટું યોગદાન છે તે ઋણનો સ્વિકાર કરી સંસ્થાના લાભાર્થે “ભારતની પડઘમ” નામથી ફંડ રાઈઝિંગ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું.
સમગ્ર ગુજરાતમાં પ્રચલિત અને જૂની પરંપરા જે વર્ષોથી માત્ર હારીજમાં જ નવરાત્રી દરમિયાન ગવાય છે તે “ભારતમાતાની પડઘમ” આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહી હતી. એમાં ભારતની આઝાદીનો સંઘર્ષ, પૂર્વજોના બલિદાન, ભારત-પાકિસ્તાન વિભાજન અને ચીનના ભારત ઉપરનાં હુમલાનો પણ ઈતિહાસ ગવાય છે.
કેટલાય લોકો જે મૂળ હારીજના છે અને વર્ષોથી નવરાત્રી દરમિયાન આ “પડઘમ” નથી ગાઈ શક્યા તે અને નવી પેઢીનાં કેટલાક લોકો જેમણે આના વિશે માત્ર સાંભળ્યું જ છે પણ પ્રત્યક્ષ “પડઘમ” જોઈ કે ક્યારેય ગાઈ નથી તે વિશેષ આ “પડઘમને” માણવા અને હારીજની ગૌરવવંતી આ પરંપરાને જીવંત રાખવાના ભાવ સાથે વિશેષ હાજર રહ્યા હતા. “પડઘમની” સાથે સુંદર ગરબા અને પૂર્વ વિધાર્થીઓના કર્ણાવતી મહાનગરનો સ્નેહમિલન એકત્રિકરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હારીજથી પણ મોટી સંખ્યામાં સંઘ અને વિધાભારતીનાં કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભાજન લીધું હતું.
કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરનાં વિવિધ ક્ષેત્રના કાર્યકરો, શિશુમંદિરનાં પૂર્વ વિધાર્થીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે હાજર રહી “ભારતની પડઘમ” કાર્યક્રમને માણ્યો હતો. હાજર રહેલા સૌ લોકોએ હારીજ શિશમંદિરના પૂર્વ વિધાર્થીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને અભૂતપૂર્વ ગણાવી પૂર્વ વિધાર્થિઓની ભાવનાને બિરદાવી સૌ લોકો માટે નમૂનારૂપ ગણાવી હતી.
ગુજરાતમાં વિધાભારતીનાં ૪૫૦થી વધારે વિધાસંકુલો છે. સતત સંસ્થા દ્વારા વ્યક્તિ ઘડતર માટે અને બાળકોમાં રાષ્ટ્રભાવના વધે તેવા સંસ્કાર સિંચનના કાર્યક્રમો થતા હોય છે પરંતું આ પ્રકારે સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતાં કરતાં સમાજમાં પોતાનું વિશેષ નામ બનાવી ઓળખ ઉભી કરી હોય તેવા પૂર્વ વિધાર્થીઓ દ્વારા સંસ્થા પ્રત્યેનાં પોતાનાં ભાવને વ્યક્ત કરતો આવો કાર્યક્રમ પ્રથમ વખત જ યોજાયો હતો.
આવો કાર્યક્રમ દર વર્ષે યોજાય અને આ નિમિત્તે હારીજનાં કર્ણાવતી મહાનગરમાં રહેતા સંઘ પરિવાર ક્ષેત્રનાં બધા જ કાર્યકર્તાઓ, પૂર્વ વિધાર્થીઓ સ્નેહમિલન સ્વરુપે મળે એ ભાવ સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
“ભારતમાતાની પડઘમ”
હારીજ ગામ દરવાજામાં ગામની સૌ પ્રથમ ગરબી થતી હતી. જયાં આઝાદી સમયગાળા પહેલાંથી અંગ્રેજોને દેશમાંથી ભગાડવા જોમ જુસ્સા અને સૂરાતન ચઢાવતી ગરીબીની શરૂઆત થઇ હતી જેના શબ્દો હતા ભારતમાતાની પડઘમ વાગે, પડઘમ વાગે દેશ જાગે, પડઘમ વાગેને અંગ્રેજો ભાગે… ભાગે છે ઝણણણ સરમોરી માત, ગાંધીબાપુએ સત્યાગ્રહ કીધો, હિન્દુસ્તાન હમારા હૈ મોરી માત, ભારત માતાના પડઘમ વાગે, પડઘમ વાગે દેશ જાગે, પડઘમ વાગેને અંગ્રેજો ભાગે. જેવા શબ્દોથી સત્યાગ્રહની લડત, ક્રાંતિવીરોની યાદ, દેશ આઝાદ થયો ત્યાં સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. જેનો ઈતિહાસ આજે પણ યાદ કરી હારીજનાં યુવાનો વૃદ્ધો, ભારતમાતાની પડઘમ ગાઇ સૂરાતનના જુસ્સા સાથે ચાચર ચોકમાં ગરબે ઘૂમે છે.
સ્વ. ભગવાનભાઇ ભૂદરભાઇ ઠકકરે આઝાદી ચળવળ દરમ્યાન રચેલા ગરબામાં 1962માં ચીન અને 1971 પાકિસ્તાનના યુદ્ધ સમયે કડીઓ ઉમેરાઇ હતી. આ પછી ઉરીનો આતંકી હુમલો અને સર્જીકલ સ્ટ્રાઈક અને હવે જમ્મુ કાશ્મીરની ૩૭૦ કલમ દુર કર્યાની ઐતિહાસિક ઘટનાને ઉમેરવામાં આવી છે.
તાજેતરમાં ગરબામાં ઉમેરાયેલ કડીઓ
ઉરી આંતકનો બદલો લેવા સરકારે કમર કસી મોરી માત….ભારત માતાની પડઘમ વાગે
અડધી રાતે POKમાં જઇને સર્જીકલ સ્ટ્રાઈક કરી મોરી માત…ભારત માતાની પડઘમ વાગે…..
જવાનોએ બદલો લીધો, વિરજવાનોએ બૉમધડાકા કર્યા મોરી માત..ભારત માતાની પડઘમ વાગે..
370ની કલમ કાઢીને કાશ્મીરમાં તિરંગો લહેરાવ્યો મોરી માત…ભારત માતાની પડઘમ વાગે..