ચીન સાથેના સરહદ વિવાદને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે સંમત થયાના થોડા દિવસો બાદ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક (Jigme Wangchuk) હવે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આઠ દિવસીય પ્રવાસના પ્રથમ રાઉન્ડમાં વાંગુચક શુક્રવારે આસામ આવી પહોંચશે. અહીં તેઓ ત્રણ દિવસ રોકાશે.
પીએમ મોદી સહિત અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત
આસામ ઉપરાંત તેઓ નવી દિલ્હી અને મહારાષ્ટ્રની મુલાકાતે પણ જશે. નવી દિલ્હીની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (PM Modi), વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તેઓ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે ભૂટાનના રાજા 03 થી 10 નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવશે જે દરમિયાન તેઓ ભારતીય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય અને અન્ય પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય ભારત-ભૂતાન સંબંધોને કેવી રીતે વધુ મજબૂત બનાવવામાં આવશે તે અંગે ચર્ચા કરશે.
King of Bhutan to visit India from November 3 to 10
Read @ANI Story | https://t.co/3oJSpUk9uy#India #KingofBhutan #JigmeKhesar pic.twitter.com/soFERt7u5v
— ANI Digital (@ani_digital) November 2, 2023
ભૂટાનના રાજાની આ મુલાકાત ઘણી મહત્વની રહેશે
નિષ્ણાતો આ યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યા છે. તેનું કારણ એ જણાવાઇ રહ્યું છે કે 23 ઓક્ટોબર, 2023ના રોજ જ ચીન અને ભૂટાનના વિદેશ મંત્રીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં વર્તમાન સરહદી વાટાઘાટોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા પર સહમતી થઈ હતી. આ સમજૂતીથી ભારતના હિતો પર લાંબા ગાળાની અસર થવાની પણ અપેક્ષા છે. એવું મનાય છે કે ભારતમાં સરકારી પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ચીન અને ભૂટાન વચ્ચે સરહદ સમજૂતીનો મુદ્દો ખૂબ મહત્વનો રહેશે.