બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતીશ કુમારેહાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે INDIA ગઠબંધનમાં આજકાલ કોઈ કામ થઈ રહ્યું નથી અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે અને આના પર ધ્યાન આપી રહી નથી, નીતીશ કુમારના આ નિવેદન બાદ I.N.D.I.A ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષે ગઈકાલે રાત્રે બિહારના સીએમ સાથે ટેલિફોન પર વાત કરી હતી.
બંને નેતા વચ્ચે આ મુદ્દે વાતચીત થઈ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની નારાજગીની અસર દેખાવા લાગી છે, અને કોંગ્રેસે બિહાર સીએમના નિવેદન બાદ ડેમેજ કંટ્રોલ કરવાનું શરુ કરી દીધુ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ ગઈકાલે રાત્રે બિહારના સીએમ નીતીશ કુમાર સાથે ટેલિફોન પર વાત કરી હતી અને બંને નેતાઓ વચ્ચે I.N.D.I.A ગઠબંધનની આગામી વ્યૂહરચના અંગે તેમજ વિપક્ષી એક્તાને મજબુત બનાવવાની ચર્ચા કરી હતી.
નિવેદન બાદ લાલુ અને તેજસ્વી’ નીતીશને મળવા ગયા હતા
નીતીશ કુમારના નિવેદન બાદ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ ગઈકાલે સાંજે મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા હતા. અહીં લાલુ યાદવે સીએમ નીતીશ કુમાર સાથે લગભગ 40 મિનિટ સુધી મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સાંજે સાડા છ વાગ્યે લાલુ અને તેજસ્વી પરત ફર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને પણ વાતચીત થઈ હોવાના અહેવાલ છે.