ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરી રહેલી ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શફા નીચેથી સુરંગોનુ મોટુ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યુ છે.
ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સમર્થનમાં એક વિડિયો જાહેર કરીને કહ્યુ છે કે, હોસ્પિટલની નીચે સુરંગોની મોટી જાળ બીછાવવામાં આવી છે અને અહીંથી જ હમાસ સંગઠન પોતાની આતંકી ગતિવિધિઓનો દોરી સંચાર કરતુ હતુ. એક પછી એક સુરંગો શિફા હોસ્પિટલની આસપાસથી મળી રહી છે.
સેનાએ વિડિયો શેર કરીને કહ્યુ છે કે, સુરંગોમાં સંતાવા માટે ઓરડાઓ પણ બનાવાયા છે. અલ શિફા હોસ્પિટલ નીચેથી સુરંગમાં પ્રવેશવાનો જે રસ્તો મળ્યો હતો તે 55 મીટર બાદ એક અન્ય ગેટ પર ખતમ થયો હતો. આ દરવાજાને તોડવામાં આવ્યો ત્યારે તેની પાછળ એસી રૂમ, વોશ રૂમ, કિચન અને તેની નજીક એક વોર રૂમ મળી આવ્યો હતો. આ સિવાય હોસ્પિટલ પાસે સુરંગમાં પ્રવેશવા માટેના બીજા બે દરવાજા પણ મળ્યા છે. જેમાંથી એક રસ્તા પર અને બીજો દરવાજો 100 મીટર દુરની ઈમારતમાં ખુલે છે. સંખ્યાબંધ પ્રકારના હથિયારો પણ અહીંથી મળ્યા છે અને હમાસે બંધક બનાવેલા ઈઝરાયેલ નાગરિકોને પણ અહીંયા રાખવામાં આવ્યા હતા.
ઈઝરાયેલી સેનાનુ કહેવુ છે કે, સુરંગોનુ નેટવર્ક મળ્યા બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે, હમાસ દ્વારા અલ શિફા હોસ્પિટલનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
સુરંગોનો વિડિયો જોઈને સંરક્ષણ નિષ્ણાતો પણ હેરાન છે અને સુરંગોના મજબૂત બાંધકામ તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.