ઘરેલુ માગમાં વધારો અને તહેવારોની સિઝનને પગલે નવેમ્બર-૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળા એટલે કે નવેમ્બર-૨૦૨૨ની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે તેમ નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
નવેમ્બર-૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૫ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે નવેમ્બરમાં જીએસટીની કુલ આવક ૧,૬૭,૯૨૯ કરોડ રૂપિયા રહી છે. જેમાં સીજીએસટી ૩૦,૪૨૦ કરોડ રૂપિયા, એસજીએસટી ૩૮,૨૨૬ કરોડ રૂપિયા, આઇજીએસટી ૮૭,૦૦૯ કરોડ રૂપિયા અને સેસ ૧૨,૨૭૪ કરોડ રૂપિયા સામેલ છે.
આઇજીએસટીની રકમમાં વસ્તુઓની આયાત પર વસૂલ કરવામાં આવેલ ૩૯,૧૯૮ કરોડ રૂપિયા સામેલ છે. સેસની રકમમાં વસ્તુઓની આયાત પર વસૂલ કરવામાં આવેલ ૧૦૩૬ કરોડ રૂપિયા સામેલ છે.
જો કે નવેમ્બર-૨૦૨૩નું જીએસટી કલેક્શન ગત મહિના ઓક્ટોબર કરતા ઓછું રહ્યું છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૭૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જે અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું કલેક્શન હતું.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ગયા વર્ષના સમાન ગાળા એટલે કે નવેમ્બર-૨૦૨૨ની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે અને આ ૧૫ ટકા વધારો અત્યાર સુધીનો સૌથી વધારે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર સુધી કુલ જીએસટી કલેક્શન ૧૩,૩૨,૪૪૦ કરોડ રૂપિયા રહ્યું છે. જે માસિક સરેરાશ ૧.૬૬ લાખ કરોડ રૂપિયા થાય છે. આ રકમ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૧ ટકા વધારે છે. ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીના ગાળામાં જીએસટી કલેક્શન ૧૧,૯૦,૯૨૦ કરોડ રૂપિયા રહ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વખત જીએસટી કલેક્શન ૧.૬૦ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે. અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, લદ્દાખમાં જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જોવા મળી છે.