સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કાર્ય થશે. સંસદમાં 4 ડિસેમ્બરથી શિયાળુ સત્રની શરૂઆત થશે અને 22 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલશે. આ દરમ્યાન એવા બિલ પણ છે જેની સૌથી વધુ ચર્ચાઓ થાય છે.
સત્ર પહેલા બોલાવવામાં આવી સર્વપક્ષીય બેઠક
નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023, ન્યાય સંહિતા બિલ 2023 અને સાક્ષ્ય બિલ 2023 એ મુખ્ય બિલ છે, જે સંસદમાં રજૂ કરવામાં આવશે. તે જ સમયે, શિયાળુ સત્ર પહેલા, સરકારે શનિવારે (2 ડિસેમ્બર) ના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં રાજકીય પક્ષોના નેતાઓ શિયાળુ સત્રના એજન્ડા પર ચર્ચા કરી રહ્યા છે.
આ બિલ પર પણ રહેશે નજર
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, ‘સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સેકન્ડ એમેન્ડમેન્ટ) બિલ’ સરકાર દ્વારા સૂચિબદ્ધ સાત નવા બિલમાં સામેલ છે. તેના દ્વારા GST કાઉન્સિલની ભલામણો લાગુ કરવામાં આવશે. તેલંગાણામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના માટે બિલ લાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીર અને પુડુચેરીની વિધાનસભાઓમાં મહિલા ક્વોટા નક્કી કરવા માટે સરકાર બે બિલ લાવવા જઈ રહી છે.
બોઈલર એક્ટ, 1923ને ફરીથી લાગુ માટે થયું લીસ્ટેડ
100 વર્ષ જૂના બોઈલર એક્ટ, 1923ને ફરીથી લાગુ કરવા માટે સરકારે બોઈલર બિલ, 2023ને લીસ્ટ કર્યું છે. તેના દ્વારા લોકોના જીવનની રક્ષા થશે. તેણે ‘પ્રોવિઝનલ કલેક્શન ઑફ ટેક્સિસ બિલ, 1931’ને ફરીથી અમલમાં મૂકવા માટે ‘પ્રોવિઝનલ કલેક્શન ઑફ ટેક્સિસ બિલ, 2023’ને પણ લીસ્ટ કર્યું છે. બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ, 2023 લીસ્ટ કરવામાં આવ્યું નથી કારણ કે તેના પર ભલામણો માંગવામાં આવી છે.
બિલના હિન્દીમાં નામ હોવાથી થઇ શકે છે વિરોધ
તમામ મુખ્ય બિલના નામ હિન્દીમાં હોવાના કારણે આ બાબતનો વિરોધ પણ થઇ શકે છે. આ બાબતે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ચિઠ્ઠી લખીને કહ્યું જણાવ્યું કે તે આ બિલને તાત્કાલિક પાસ કરવામાં ઉતાવળ ન કરે.