મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત થયા છે. મણિપુર સરકારે રવિવારે છેલ્લા સાત મહિનાથી રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ઈન્ટરનેટ પર પ્રતિબંધ હટતા જ તાજી હિંસાની આ ઘટના સામે આવી છે.
સુરક્ષા દળોની મળી 13 લાશ
મણિપુરમાં સુરક્ષા દળોને માર્યા ગયેલા 13 લોકોની લાશો મળી છે. મૃતકો બહારથી અહીં આવ્યાં હોવાનું લાગી રહ્યું છે તેઓ બે જૂથ વચ્ચેના ગોળીબારમાં વચ્ચે આવી ગયા હતા.
સંઘર્ષ ક્યારે શરૂ થયો?
મણિપુરમાં 3 મે 2023થી મૈતેઇ અને કુકી વચ્ચે વંશીય અથડામણો થઈ રહી છે. આ અથડામણોમાં ઓછામાં ઓછા 182 લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે. હિંસાના પગલે મણિપુરમાં 3 મેથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. 3 સપ્ટેમ્બરે થોડા સમય માટે ઈન્ટરનેટ ચાલું કરાયું હતું પરંતુ 23 સપ્ટેમ્બરે ફરી તેને બંધ કરી દેવાયું હતું.
મણિપુરમાં કેટલી વસ્તી
મણિપુરની વસ્તીમાં મૈતેઇ સમુદાયનો હિસ્સો લગભગ 53 ટકા છે અને તે મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ મોટે ભાગે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.