વિશ્વના વિવિધ દેશમાં સંતાઈને રહેલા ભારતના દુશ્મનો ઉપર કોઈ અજાણી વ્યક્તિ એક પછી એક કરીને જીવલેણ હુમલો કરી રહ્યો છે. આ સમાચારની વચ્ચે એક એવા ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે કે, પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા ભારતના દુશ્મન અને 26/11ના કાવતરાખોર પૈકીના એક એવા સાજિદ મીરને કોઈએ કાતિલ ઝેર આપ્યું છે. ઝેર ખાઈ ચૂકેલા સાજિદ મીરને હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે. જ્યા કહેવાય છે કે તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ્સના એક પછી એક રહસ્યમય હત્યા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર વૈશ્વિક આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સાજિદ મીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાજિદ મીર મુંબઈમાં 26/11ના હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે. ગયા વર્ષે જૂનમાં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે સાજીદ મીરને આઠ વર્ષની જેલની સજા સંભળાવી હતી, ત્યારબાદ સાજીદ મીર કોટ લખપત જેલમાં કેદ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને કોટ લખપત જેલની અંદર ઝેર આપવામાં આવ્યું હતું અને ત્યારથી તે વેન્ટિલેટર પર છે.
સાજિદ મીર વિશેની આ માહિતી એવા સમયે બહાર આવી છે, જ્યારે એવા ઈનપુટ મળી રહ્યા છે કે તેને ડેરા ગાઝી ખાન જેલમાં મોકલવાની તૈયારી ચાલી રહી હતી. સાજિદ મીરના હોસ્પિટલમાં દાખલ થવા અંગે સૂત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વિદેશી દબાણકર્તાઓને પ્રભાવિત કરવાના ષડયંત્રના ભાગરૂપે હોઈ શકે છે. પાકિસ્તાન પર લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સામે કડક કાર્યવાહી કરવાનું આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું.
ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની સજા
આતંકવાદી સાજિદ મીરને ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત તેને 4.2 લાખ રૂપિયાનો આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાન ઉપર ભારે દબાણ સર્જાયા બાદ જ સાજિદ મીર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાન સરકાર માટે FATFની કાર્યવાહીથી બચવાનો આ એકમાત્ર રસ્તો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, FATF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે આતંકવાદને ધિરાણ અને મની લોન્ડરિંગના મામલાઓ પર બારીકાઈથી નજર રાખે છે. સાજિદ મીરને ગયા એપ્રિલમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જોકે તેને જેલની સજા જૂન 2022માં જ ફટકારવામાં આવી હતી.
ઝેર આપવાનો મામલો પાકિસ્તાનનુ ષડયંત્રઃ ભારતીય ગુપ્તચર વિભાગ
ભારતીય ગુપ્તચર વિભાગના સૂત્રોનું કહેવું છે કે, સાજિદ મીરને ઝેર આપવાનો મામલો પાકિસ્તાનનુ ષડયંત્ર હોઈ શકે છે. લશ્કર એ તૈયબાના આતંકવાદીને અમેરિકાને પ્રત્યાપિત કરવાથી બચાવવાનો પ્રયાસ હોઈ શકે છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ, સાજિદ મીરના માથા પર 5 મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી છે. સાજિદ મીરનું નામ યુએસ સરકારના વોન્ટેડ આરોપીઓના લિસ્ટમાં સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પહેલા જ મીરના મોતનો દાવો કરી ચૂક્યું છે. જોકે, ભારત કે પશ્ચિમી દેશોએ તેમની વાત પર વિશ્વાસ કર્યો ન હતો. જ્યારે આતંકવાદીના મોતના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે પાકિસ્તાન અચકાયું હતું.