૧લી ડિસેમ્બરના સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ વધી ફરી 600 અબજ ડોલરની સપાટીને પાર કરી ગયું છે. ચાર મહિનાના ગાળા બાદ ફોરેકસ રિઝર્વે ૬૦૪ અબજ ડોલરનો આંક દર્શાવ્યો છે.
દેશની બહારી નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા અમે વિશ્વાસ ધરાવીએ છીએ એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે નાણાં નીતિની સમીક્ષા બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.
ઓકટોબર, ૨૦૨૧માં દેશનું ફોરેકસ રિઝર્વ ૬૪૨ અબજ ડોલર સાથે અત્યારસુધીનું ઊંચી સપાટીએ રહ્યું છે. ત્યારબાદ ડોલર સામે રૂપિયાને ટકાવી રાખવા રિઝર્વ બેન્કે કરવી પડેલી દરમિયાનગીરીને કારણે ફોરેકસ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. અન્ય ઊભરતી બજારોની સરખામણીએ ૨૦૨૩માં ભારતીય રૂપિયામાં વોલેટિલિટી ઓછી જોવા મળી છે, એમ પણ ગવર્નરે જણાવ્યું હતું. ભારતીય રૂપિયાની પ્રમાણમાં સ્થિરતા દેશની બૃહદ્ આર્થિક સ્થિતિ મજબૂત હોવાના સંકેત આપે છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ફલોઝ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન નાણાં વર્ષમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં એફપીઆઈનો નેટ ઈન્ફલોઝ ૨૪.૯૦ અબજ ડોલર રહ્યો છે જે અગાઉના બે વર્ષમાં નેટ આઉટફલોઝ જોવા મળ્યો હતો.