કેન્દ્ર સરકારે મંગળવારે ‘આતંકવાદી કૃત્ય’ની કાયદાકીય વ્યાખ્યામાં સુધારો કર્યો છે. નવા ક્રિમિનલ કોડ મુજબ હવે નકલી નોટો ફરતી કરવી, સરકારને ધમકાવવા અપહરણ કરવું, કોઈને ઈજાગ્રસ્ત પહોંચાડવી અને તેના મોતનું કારણ બનવાની બાબતોને આતંકવાદી કૃત્ય કહેવાશે. આવા કૃત્યો ગંભીર શ્રેણીમાં એટલે કે આતંકવાદી કૃત્યની શ્રેણીમાં આવશે. ઉપરાંત ક્રૂરતાની પણ વ્યાખ્યામાં સુધારો કરાયો છે, જેમાં એક મહિલાના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની બાબત સામેલ છે.
આર્થિક સુરક્ષાને જોખમમાં મુકતા નકલી કરન્સીના વ્યાપારને હવે આતંકવાદી કૃત્ય માનવામાં આવશે. ઉપરાંત સરકારને ધમકાવવા કોઈ વ્યક્તિનું અપહરણ કરવાની બાબત પણ આતંકવાદી કૃત્યની શ્રેણીમાં આવશે. સરકારે ભારતીય ન્યાય સંહિતામાં 2 નવા સેક્શનનો ઉમેરો કર્યો છે, જે ક્રિમિનલ પ્રોસિજર કોડ સહિત હાલના ફોજદારી કાયદામાં સુધારો કરી તૈયાર કરેલા 3 વિધયેકોમાંથી એક છે. આ કોડની કલમ 86માં ક્રૂરતાની વ્યાખ્યામાં સુધારો કરાયો છે, જેમાં એક મહિલાના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવો સામેલ છે.
જૂના વિધેયકમાં કલમ 85 હેઠળ પતિ અથવા તેના પરિવારના સભ્યો દ્વારા પત્ની સાથે ક્રુર વ્યવહાર કરવા બદલ દોષી જાહેર થાય તો 3 વર્ષની સજાની જોગવાઈ હતી. આ કાયદામાં ‘ક્રૂર વ્યવહાર’ની વ્યાખ્યામાં સુધારો કરાયો ન હતો. જોકે હવે આ બાબતને સામેલ કરવામાં આવી છે અને આ સુધારો મહિલાના માનસિક સ્વાસ્થ ઉપરાંત શારીરિક સ્વાસ્થનો પણ સમાવેશ થાય છે. નવા કોડ મુજબ જાતીય સતામણીનો ભોગ બનેલી પીડિતની મંજુરી વગર કોર્ટ કાર્યવાહીનો ઉપયોગ કરી પીડિતાની ઓળખ જાહેર કરવા પર 2 વર્ષની સજાની જોગવાઈ છે.