સીસ્તાન અને બલુચીસ્તાન પ્રાંતના ઉપગવર્નર અલિ-રાઝા-મરહેમનીએ કહ્યું હતું કે તહેરાનથી આશરે ૧૪૦૦ કી.મી. દૂર આવેલા રસ્ક કસ્બામાં મોડી રાત્રે બલુચ ઉગ્રપંથીઓએ કરેલા હુમલામાં એક વરિષ્ટ પોલીસ અધિકારી અને ૧૦ અન્ય પોલીસનાં મૃત્યુ થયાં છે.
પાકિસ્તાની સેના અને ચીની નાગરિકો ઉપર હુમલા કર્યા પછી હવે બલુચ ઉગ્રવાદીઓએ ઇરાનનાં પોલીસ દળને પણ નિશાન બનાવ્યું છે.
ઇરાનનાં સરકારી ટીવીએ શુક્રવારે જણાવ્યું હતું કે એક અલગતાવાદી સમુહના સભ્યોએ દક્ષિણ પૂર્વ ઇરાનનાં એક થાણા પર હુમલો કર્યો હતો. જેમાં ૧૧ પોલીસનાં મોત થયાં હતાં અને એક સુરક્ષા કર્મી ઘાયલ થયો હતો. જ્યારે જવાબી કાર્યવાહીમાં, બલૂચ ઉગ્રપંથી જૂથ જૈશ અલ અદલનો પણ એક સભ્ય માર્યો ગયો છે.
સીસ્તાન અને બલુચિસ્તાનના ઉપ ગવર્નર અલી રઝા મરહેમનીઓ આ ઘટનાને પુષ્ટિ આપી છે અને એક અધિકારી સાથે ૧૦ પોલીસ માર્યા ગયા હોવાનું જણાવ્યું છે.
આ હુમલા માટે જૈશ અલ અદલ આતંકી જૂથે જવાબદારી લીધી છે. આ જૂથે, ૨૦૧૯માં એક આત્મઘાતી બોમ્બ હુમલો કર્યો હોવાની જવાબદારી લીધી હતી. જેમાં ઇરાનનાં રિવોલ્યુશનરી ગાર્ડ ફોર્સના ૨૭ જણા માર્યા ગયા હતા.
ઇરાન મૂળભૂત રીતે શિયા પંથી છે. છતાં તેમાં સુન્ની પંથીઓનો નાનો સમુહ છે. છેલ્લા કેટલાક મહીનાઓથી સુન્ની સમુદાયના પ્રભુત્વવાળા વિસ્તારમાં શિયા પંથીઓ અન્ય ઉગ્રપંથીઓ સાથે મળી અહીં તહીં હુમલાઓ કરતા જ રહે છે. પરંતુ આ વખતનો બલુચીઓએ કરેલો હુમલો મહ્દઅંશે કેટલાક પ્રદેશ પર કબ્જો જમાવવા સાથે કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે.