ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ થયો છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યુ છે કે, ઈઝરાયેલનો આતંક સાથે લડવાનો અર્થ એ નથી કે, તે ગાઝાને બરબાદ કરી નાંખે. આતંકવાદની સામેના જંગમાં નાગરિકોને નિશાન બનાવવાની વિચારધારાને સમર્થન આપી શકાય નહીં. આ પ્રકારની કાર્યવાહી ઈઝાયેલે રોકવી જોઈએ. કારણકે દરેક જિંદગીની કિંમત છે અને દરેક માણસની રક્ષા થવી જોઈએ.
જોકે તેમણે ઈઝરાયેલની આતંકવાદ સામે લડવાની નીતિ અને અધિકારનુ પણ સમર્થન કર્યુ હતુ. આમ છતા તેમણે ટકોર કરી હતી કે, ઈઝરાયેલે સામાન્ય માણસોની સુરક્ષાનુ ધ્યાન રાખવુ જોઈએ અને માનવીય આધાર પર યુધ્ધ વિરામ પણ લાગુ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા હુમલામાં ગાઝામાં ચારે તરફ તબાહી અને બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પેલેસ્ટાઈનના તંત્રનો દાવો છે કે, મોતને ભેટેલા 20000 કરતા વધારે નાગરિકોમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો છે.