ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. કારણ કે, એલન મસ્કનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન તેના મનની અંદર બેઠેલું છે. જયારે જગ્યાઓ શોધવાનો, અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો ત્યારે એમના મનમાં ગુજરાત વસેલું હોય તેવું દેખાય છે. અને કદાચ ટૂંક સમયમાં તે બાબતની જાહેરાત પણ થશે.
રાજ્ય સરકારના મંત્રી તથા પ્રવક્તા ઋષિકેશ પટેલ પોતે કહી રહ્યા છે કે ટેસ્લાએ ગુજરાતમાં આવવાનું મન બનાવી લીધું છે. અધિકારિક સૂત્રોના મતે ટેસ્લા ગુજરાતમાં સાણંદ નજીક કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરે તેવી શક્યતા છે. જાન્યુઆરી-2024માં યોજાનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા સાથે એમઓયુ થઇ શકે છે.
આમ, સુત્રે મુજબવિશ્વના ધનિક વ્યક્તિ ગણાતાં એલન મસ્ક ભારતમાં ઇવી કાર પ્રોજેક્ટ માટે ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જેના પગલે ગુજરાત રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લા પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જમીન ફાળવણીની તૈયારીઓ આદરી છે.
ગુજરાત ધીરે ધીરે ઓટોમોબાઈલ હબ બની રહ્યુ છે. રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. અહિં આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ થઈ રહી છે. 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના થઈ હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય રોકાણકારો મોટા પ્રમાણમાં આકર્ષાયા. વર્ષ 2011માં ફોર્ડ મોટર્સ દ્વારા તેમના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ₹5,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે ગુજરાતમાં 3000 નોકરીઓની તક સર્જાઈ.
વર્ષ 2014માં સુઝુકી મોટર્સે ₹14,784 કરોડના મેગા યુનિટની સ્થાપના કરી. જેને લીધે 9100 નોકરીઓની તક ઉભી થઈ. વર્ષ 2022માં ટાટા મોટર્સે સાણંદમાં સ્થિત ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ હસ્તગત કર્યો. 2017માં MG મોટર્સે ₹2000 કરોડના પ્રારંભિક રોકાણ અને વાર્ષિક 80,000 યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા સાથે GM ઇન્ડિયાનો હાલોલ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો.
મહત્વનુ છે કે આ સ્થિતિમાં ટેસ્લા આવશે તો ગુજરાતનું નામ દેશ વિદેશમાં ગુંજશે એ ચોક્કસ છે. મસ્કના રોકાણથી રોજગારીથી લઈને વેપાર ધંધાની તકોમાં પણ પુષ્કળ વધારો થશે. બની શકે કે આ વાતની જાહેરાત સત્તાવાર રીતે આગામી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન થઈ જશે. જોવું રહ્યુ કે ક્યારે અને કયા પ્રકારે આ જાહેરાત કરવામાં આવે છે.