રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, હવન, સુંદરકાંડના પાઠ, વેશભૂષા, ભજન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા
500 વર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર ભારતની સાથે કપડવંજ નગર અને તાલુકો રામમય બની જવા પામ્યો હતો. કપડવંજ નગરના તમામ જાહેર માર્ગોને અવનવી રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતાં.
નગરના મંદિરો, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, નગરપાલિકા, મકાનો અને શહેરના રાજમાર્ગો રોશનીથી ઝળહળી રહ્યા ઉઠયા હતાં. ધજા પતાકાઓ,દીપ પ્રાગટ્ય કરી ફળિયા અને ઘર સજાવ્યા હતાં. કપડવંજ નગરના મોટા રામજી મંદિર, નાના રામજી મંદિર, ગોકુલનાથજીનું મંદિર અને હનુમાનજીનું મંદિર સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરો પણ શણગારવામાં આવ્યા હતાં.સાથે સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી, તેવી જ રીતે તાલુકામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.કપડવંજ તાલુકાના દાણા,મોટી ઝેર, હમીરપુરા, કલાજી, માલ ઇટાડી બારૈયા ભાગ, આંત્રોલી, અબોચ, ચીખલોડ, અંતિસર, નરસિંહપુર વગેરે ગામડાઓમાં આવેલી દૂધ મંડળીઓ, સહકારી મંડળીઓ, ભજન મંડળીઓ તથા રાજકીય આગેવાનો રોશની સાથે પોતાના બેનરો લગાવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ સાથે નગરના વિવિધ મંડળો ઉપરાંત વ્યક્તિગત લોકો પણ 22 જાન્યુઆરીએ રામધૂન, હનુમાન ચાલીસા પાઠ,હવન, સુંદરકાંડના પાઠ, વેશભૂષા,ભજન સાથે ભોજનનો પણ આનંદ માંણ્યો હતો.
કપડવંજના વિવિધ વિસ્તારોમાં ધજા પતાકાઓથી રાજમાર્ગો શોભી ઉઠ્યા હતા. નેશનલ પ્લાઝા, એ.કે.પ્લાઝા, નંદની પ્લાઝા, ક્રિષિવ પ્લાઝા, નટરાજ આર્કેડ સહિત શોપિંગ સેન્ટરોને પણ ભવ્ય રોશનીની શણગારવા સાથે આતશભાજી, મહાઆરતી, રામધૂનના કાર્યક્રમ યોજાયા હતાં.સાથે વહેલી સવારમાં નગરના વિવિધ મંડળો જેમાં બહેનો, યુવાનો, બાળકો અને વૃદ્ધો પ્રભાત ફેરીમાં શ્રીરામના નારાથી નગરને ગજવ્યું હતું. નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને હિન્દુ ધર્મ સેના, ભારત વિકાસ પરિષદ જેવી અનેક હિન્દુવાદી સંસ્થાઓ વિવિધ પ્રકારના કાર્યક્રમને કારણે પ્રજામાં ઉત્સાહનું અનેરુ વાતાવરણ સર્જવા પામ્યું હતું .કપડવંજ તાલુકાના યાત્રાધામ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે સવારે 11:30 થી 12:30 સુધી રામધુન અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કપડવંજ શહેરની મધ્યમાં આવેલી પોરવાડ પંચની વાડીમાં કીર્તન પરીખ અને ચંદ્રિકાબેન શાહના જણાવ્યા અનુસાર શ્રી ગોકુલનાથજી મંદિર વૈષ્ણવ મહિલા મંડળ દ્વારા યમુનાષ્ટકના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિમૂર્તિ સોસાયટીમાં અનીતાબેન ભરતભાઇ પટેલના નિવાસસ્થાને તમામ રહીશોએ શ્રી રામધૂન, હનુમાન ચાલીસા તથા મહાઆરતીનું આયોજન કરી ઘેર ઘેર દીવડા પ્રગટાવ્યા હતાં શારદા મંદિર ખાતે સુંદરકાંડનું લાઈવ પ્રસારણ મનીષ શાહ (અપના માટૅ) અને જીમીત પટેલના આયોજનમાં પણ મોટી સંખ્યા રામ ભક્તોએ લાભ લીધો હતો.સુથારવાડા નવ યુવક મંડળ તથા શ્રી મોટા રામજી મંદિર કપડવંજના ઉપક્રમે તારીખ 19 થી 23ના રોજ રામધુન તેમ જ 21 ના રોજ શોભાયાત્રા અને તારીખ 22 ના રોજ સવારે 8:00 થી 12:00 કલાકે મહાયજ્ઞ તથા ત્યારબાદ મહા આરતીનો કાર્યક્રમ ભવ્યતાથી ઉજવાયો હતો.