જિલ્લા સમાહર્તા કલેકટર કે.એલ.બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવપુર્ણ વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ કલેકટરને વિદાય આપતા ભાવવિભોર બન્યા હતા. સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ
અગ્રવાલની સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવપુર્ણ વિદાય આપી હતી.
કલેકટર કે.એલ.બચાણી ગુજરાત વહિવટી સેવા (GAS)ના અધિકારી તરીકે સેવામાં જોડાયા હતા અને અખિલ ભારતીય સેવા(IAS)માં તેમણે જિલ્લા વિકાસ અધિકારી ખેડા-નડિયાદ તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ ૧/૦૬/૨૦૨૧ થી ૩૧/૦૧/૨૦૨૪ સુધી તેમણે ખેડા જિલ્લા કલેકટર તરીકે પ્રમુખ સેવા આપી જિલ્લાના વિકાસને વેગવંતો બનાવ્યો હતો. ગ્રામસભાથી લઇને વિકસિત ભારત વિકાસ સંકલ્પ યાત્રા સુધી કલેકટર દ્વારા જિલ્લાના લોકકલ્યાણના અનેક કામો કરવામા આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ કલેકટર વિમલ ચૌધરી, મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ બારૈયા, અંગત મદદનીશ પરેશભાઇ જાદવએ પોતાના સ્મરણો યાદ કરી કલેકટરની કાર્યશૈલીથી એમના જીવનમા સકારાત્મક અસર વિષે તમામ સ્ટાફને જણાવ્યુ હતું.
આ પ્રસંગે બે મામલતદાર પણ વયનિવ્રૃત થતા તેમણે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માન આપવામાં આવ્યુ હતું. સાથોસાથ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પંચાયતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી કલેકટર અને ડી.ડી.ઓનો સન્માન કર્યુ હતું.