આધુનીક ટેકનોલોજી આરોપીને પકડવામાં કામયાબ પોલીસ
મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં સુતેલા પુજારીની ચોરી કરવાના ઇરાદે આવેલા એક રીઢા હત્યારાએ પુંજારીને રહેંસી નાખ્યા હતા. માત્ર પાંચ દિવસમાં પોલીસે આ હત્યાનો પર્દાફાશ કરી નાખ્યો છે. જેમાં હત્યારો ખુન-મહાવ્યથા અને ચોરીના જેવા ગુનાઓ આચરીને જેલમાંથી ફરાર થઇને પણ ચોરીઓ કરતો હતો. તેને પોલીસે મહેમદાવાદના રેલવે સ્ટેશન નજીકથી આબાદ ઝડપીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી માહિતી મુજબ, મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કિનારે નાનકડું હનુમાન મંદિર આવેલું છે. જેમાં કાળુભાઇ ફુલાભાઇ ભોઇ નામના ૫૫ વર્ષના વયોવૃદ્ધ હનુમાનદાદાની સેવાપૂંજા કરતા હતા. તેઓ રાત્રિના સમયે સુતા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે આવેલા બાબુ ઉર્ફે બાબુડીયો ટપુભાઇ પરમાર (પઢાર) મૂળ રહે.રળોલ તા.લીમડી જી.સુરેન્દ્રનગર (પો.સ્ટે. પાણસીણા) હાલ રહે.મહેમદાવાદ રેલવે સ્ટેશન ફુટપાથનાઓએ ચોરી કરવાના ઇરાદે તા.૨૭મીના રોજ રાત્રે બે કલાકે નીકળ્યો હતો. ફરતો ફરતો તે વાત્રક નદીના કિનારે પહોંચ્યો હતો. જ્યાં હનુમાનજીદાદાનું મંદિર જોઇને પુંજારીને સુતેલા જોઇને તે ત્યાં દોડી ગયો હતો. અને તેણે પુંજારીની બાજુમાં મુકેલા બે મોબાઇલ ફોન ચોર્યા હતા. ત્યારબાદ તેણે તિજોરીને ખોલતાં થયેલા ખખડાટથી પુંજારી જાગી ગયા હતા. અને તેઓએ આ બાબુડીયાને પડકાર ફેંકતા આ ચોર બાબુડીયાએ પોતાના હાથમાં રસ્તામાંથી મળેલા ઘોડીયાના આડા લાકડાના ફટકા પુંજારીનું મૃત્યુ ન થાય ત્યાં સુધી ફટકારી દીધા હતા. જેથી કાળુભાઇ ભોઇનું તત્કાળ ખાટલામાંજ મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ ચોર આરોપી બાબુડીયો ફરાર થઇ ગયો હતો. આ બાબતે પોલીસને વહેલી સવારે જાણ થતાં મહેમદાવાદ પોલીસ તથા એલસીબી પોલીસ સહિતની વિવિધ પોલીસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ સંદર્ભે પોલીસવડા રાજેશકુમાર ગઢીયાના માર્ગદર્શન હેઠળ હત્યાનો ભેદ ઉકેલવા માટે નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી કપડવંજનાઓને આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી અને મહેમદાવાદ પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું.
જેમાં પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરીને લીમડી તાલુકાના રળોલનો રહીશ અને પાંચથી વધુ ખતરનાક ગુનાઓ કરનાર આરોપીને મહેમદાવાદના રેલવે સ્ટેશન પાસેથીજ દબોચી લીધો હતો. આરોપીએ આ ગુનામાં પોતે ચોરી કરવાના ઇરાદે પુંજારી જાગી જતા તેઓની ઘોડિયાના આડા લાકડાનો ઘા મારીને હત્યા કર્યાની કબુલાત કરી હતી. આમ પોલીસે માત્ર પાંચ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલીને સનસનાટી મચાવી દીધી છે.
મહેમદાવાદ શહેરમાં હત્યાનો ગુનો કરનાર બાબુ ઉર્ફે બાબુડીયો પાંચ ગુનાઓમાં સંડોવાયેલે છે જેમાં (૧) પાણીસીણા પો.સ્ટે. (સુરેન્દ્રનગર) ખાતે હત્યાનો ગુનો (૨) લીમડી પો.સ્ટે. જેલમાંથી ફરાર થવાનો ગુનો (૩) લીમડી પો.સ્ટે. સબજેલમાંથી ફરાર થતાં વોન્ટેડનો ગુનો (૪) નડિયાદ રેલવે પો.સ્ટે. લોખંડની ચોરીનો ગુનો (૫) સુરેન્દ્રનગર પો.સ્ટે. વોન્ટેડના ગુનાનો આરોપી હતો. હાલમાં જે મહેમદાવાદના રેલવે સ્ટેશનની આસપાસ પડી રહેતો હતો. તેણે ચોરીના ઇરાદે જઇને આ નિર્દયી હત્યા કરી હતી. જેના કારણે મહેમદાવાદમાં સનસનાટી મચી ગઇ હતી.