છેલ્લા બે મહિનાથી ભારત અને ભારતીય નૌકાદળ લાલ સમુદ્ર અને અરબી સમુદ્ર સહિતના દરિયાઈ માર્ગની સુરક્ષા માટે એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ભારતીય નેવીએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 17 જહાજોને સમુદ્ર લૂંટારુઓથી બચાવ્યા છે.
ગયા અઠવાડિયે ભારતીય નૌકાદળના આઈએનએસ સુમિત્રાએ 36 કલાકમાં બે જહાજોને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે જો અમારી સાથે નિરાશાજનક બાબતો બનતી રહે તો અમે એમ ના કહી શકીએ કે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
22 નવેમ્બર 2023ના રોજ હુથી બળવાખોરોએ કાર્ગોશિપ ગેલેક્સી લીડરને નિશાન બનાવ્યું હતું.હુથીના હુમલાઓ વધતાં વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ સુએઝ-લાલ સાગર માર્ગની સુરક્ષા જોખમમાઈ છે.
અમેરિકન ટાસ્ક ફોર્સમાં સામેલ થવાનો ભારતનો નનૈયો
લાલ સાગરમાં હુમલાઓ વચ્ચે અમેરિકાની આગેવાની હેઠળ 20 દેશોની ટાસ્ક ફોર્સે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન શરૂ કર્યું હતું. પરંતુ, ભારતે ઈરાન સાથેના તેના જૂના સંબંધોને ટાંકીને ઈનકાર કરી દીધો હતો. ભારતે તેની તાકાતનો ઉપયોગ હુથી બળવાખોરો સામે કરવાને બદલે એડનની ખાડી અને અરબી સમુદ્રને ચાંચિયાઓથી બચાવવા માટે કર્યો છે.
અમેરિકા : હુથી બળવાખોરો પર હુમલા, 36 ઠેકાણા નષ્ટ
- અમેરિકાએ યમનના હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. રવિવારે અમેરિકી સેનાએ સિરિયા અને ઈરાનમાં હુથી બળવાખોરોના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.
- અમેરિકી સૈન્યએ રવિવારે યમનમાં 13 સ્થળોએ 36 ઠેકાણા નષ્ટ કર્યા. અમેરિકાનો એક માત્ર ઉદ્દેશ્ય લાલ સાગર પર હુમલા કરનાર હુથી બળવાખોરોને નષ્ટ કરવાના છે.
- પેન્ટાગોને કહ્યું છે કે 11 જાન્યુઆરીની કાર્યવાહી બાદ આ સૌથી મોટી કાર્યવાહી છે
- અમેરિકાનું કહેવું છે કે જે સ્થળે હુમલા કર્યા છે, ત્યાં હુથી બળવાખોરોના હથિયારોનો સંગ્રહ, મિસાઇલ સિસ્ટમ્સ અને લોન્ચર્સ, એર ડિફેન્સ સિસ્ટમ્સ અને રડાર હતા.